Business

નદીઓને જોડવાની યોજનાઓમાં ઘણી સાવધાની રાખવી પડશે

ભારતમાં ચારસો કરતા વધુ નદીઓ છે અને તેમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, કાવેરી, નર્મદા, તાપી જેવી કેટલીક ઘણી મોટી કહી શકાય તેવી નદીઓ છે. આટલી બધી નદીઓમાં એક સમયે અઢળક પાણી વહેતું હતું પરંતુ સમયની સાથે  વિવિધ કારણોસર કેટલીક નદીઓ સુકાતી ગઇ. ભારતમાં એવી સ્થિતિ છે કે કેટલીક નદીઓમાં બારે માસ ભરપૂર જળરાશી રહે છે તો કેટલીક નદીઓમાં વર્ષના મોટા ભાગમાં તેનો સૂકોભઠ પટ જ જોવા મળે છે. વિપુલ પ્રમાણમાં  જળરાશી ધરાવતી નદીઓનું પાણી સુકી નદીઓમાં પહોંચાડવાના આશયથી નદીઓને જોડવાની યોજનાઓ ઘણા સમયથી વિચારવામાં આવી રહી છે.

નદીઓને જોડવાની દરખાસ્તનો ભારતમાં લાંબો ઇતિહાસ છે. છેક બ્રિટિશ રાજના  સમયમાં ૧૯મી સદીમાં આર્થર કોટન નામના એક ઇજનેરે ભારતની મોટી નદીઓને એકબીજા સાથે સાંકળવાની યોજના રજૂ કરી હતી. સ્વતંત્રતા પછી ૧૯૭૦માં ડો. કે.એલ. રાવ, કે જેઓ એક ડેમ ડિઝાઇનર હતા અને સિંચાઇ મંત્રી  પણ રહી ચુક્યા છે તેમણે નેશનલ વૉટર ગ્રિડની યોજના રજૂ કરી હતી. આના પછી ૧૯૮૨માં તો તે સમયની સરકારે વિવિધ નદીઓને જોડવાની જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકાવી શકાય તે માટે એક વિગતવાર અભ્યાસ અને સર્વે  પણ કરાવ્યો હતો.

પરંતુ તેના પછી આ વિચાર પડતો મૂકાયો. ૧૯૯૯માં ફરીથી નદીઓને જોડવાનો વિચાર જીવંત થયો, ૨૦૦૪માં યુપીએ સરકાર કેન્દ્રમાં આવી અને તેણે ૨૦૦પથી ૨૦૧૩ સુધીમાં નદીઓને જોડવાની યોજનાઓ અંગે  સંખ્યાબંધ સમિતિઓ રચી અને સંખ્યાબંધ અહેવાલો ફગાવ્યા પણ કામ આગળ ચાલી શક્યું નહીં. સ્વાભાવિક રીતે નદીઓને જોડવાનો પ્રોજેક્ટ અનેક પડકારો અને જોખમોથી ભરેલો છે. હવે હાલની સરકારે આ યોજનામાં આગળ વધવા  માટે કંઇક નક્કર કાર્ય શરૂ કર્યું છે ત્યારે કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે નદીઓને જોડવાની યોજનાઓના હોનારતભર્યા પરિણામો આવી શકે છે.

નદીઓને એકબીજા સાથે સાંકળવાની યોજનાઓ ચોમાસાના ચક્રો તથા જૈવવૈવિધ્ય પર દૂરગામી વિપરીત અસર કરી શકે અને સામાજીક-આર્થિક પડકારો ઉભા કરી શકે એમ હાલમાં ઘણા નિષ્ણાતોએ જણાવ્યું છે જ્યારે સરકાર  બુંદેલખંડ પ્રદેશમાં પાણીની તંગીની કટોકટીને હાથ ધરવા માટે કેન અને બેટવા નદીને જોડવા માટેનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીમાં છે. નેશનલ રિવર લિંકિંગ પ્રોજેક્ટ હેઠળ જે પ્રથમ અમલમાં મૂકવામાં આવી રહી છે તે  કેન-બેટવા યોજના, કે જે બુંદેલખંડના સૂકા પ્રદેશની ૧૧ લાખ હેકટર જેટલી જમીનને સિંચાઇ હેઠળ લાવવા માટે છે જે બુંદેલખંડ વિસ્તાર ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ રાજ્યોમાં વિસ્તરેલો છે.

નદીઓને જોડવાનો આ પ્રોજેકટ એવી નદીઓ  એ જેમાં વધારે પડતું પાણી રહેતું હોય તેમના પાણીને એવી નદીઓમાં લઇ જવા માટે છે કે જેમાં પાણી ઓછું રહેતું હોય અને તેના કાંઠાના વિસ્તારોમાં પાણીની તંગી રહેતી હોય. જો કે નદીઓને જોડવાના આ આ પ્રોજેક્ટો સામે  ચેતવણીનો સૂર ઉચ્ચારતા નિષ્ણાતો જણાવે છે કે આ બાબત ઘણા ગુંચવાડાભર્યા એવા પ્રકૃતિના ચક્રોમાં ખલેલ ઉભી કરી શકે છે અને તેની દૂરગામી અસર ચોમાસાના ચક્રો પર, જીવ વૈવિધ્ય પર અને સામાજીક આર્થિક મુદ્દાઓ પર થઇ  શકે છે.

મનોજ મિશ્રા, કે જેઓ યમુના જીયે અભિયાનના કન્વીનર છે, જે અભિયાન એ યમુના નદી અને તેના પૂરના મેદાનોના રક્ષણ માટેની સામૂહિક લડત છે તેઓ કહે છે કે નદીઓને જોડવાના પ્રોજેક્ટોની લાંબા ગાળાની વિપરીત  અસરો જોઇ શકાતી નથી કારણ કે તે ઘણી દૂરગામી હોય છે. ઉદાહરણ તરીકે કેન નદીમાં એવી ખાસ પ્રકારની માછલીઓ થાય છે તે ઔષધિય મૂલ્યો પણ ધરાવે છે અને હાલમાં બેટવા નદીમાં તે દેખાતી નથી પણ જો કેનનું પાણી બેટવા  તરફ વાળવામાં આવે તો માછલીઓ અને અન્ય જીવવૈવિધ્ય પણ એકમાંથી બીજામાં ઠલવાઇ શકે અને તેની સ્થાનિક માછલીઓ પર શું અસર થાય તે તમે હાલ કહી શકો તેમ નથી.

તેમણે જણાવ્યું હતું હતું કે નદીઓને જોડવાના  પ્રોજેકટોની વિપરીત અસર ચોમાસા પર પણ થઇ શકે તેમ છે. આ બાબત સાથે સહમત થતા અન્ય એક નિષ્ણાત હિમાંશુ ઠક્કર કહે છે કે સમુદ્રની વરાળ અને મીઠાનું પ્રમાણ એ ચોમાસાને દોરનારા બે પરિબળો છે અને નદીઓને  જોડવાના પ્રોજેક્ટથી આ પરિબળો ખોરવાઇ શકે છે. કેન અને બેટવા નદીને જોડવાના પ્રોજેકટમાં ૨૩ લાખ મોટા ઝાડ કાપવા પડે તેમ છે અને તેની પણ અસર પર્યાવરણ પર થઇ શકે છે. નદીઓને જોડવાની કેટલીક યોજનાઓમાં ઘણા  લોકો વિસ્થાપિત પણ થઇ શકે છે. ગુજરાતમાં પાર, નર્મદા અને તાપી નદીઓને જોડવાની યોજના આદિવાસીઓના વિરોધને કારણે હાલ પડતી મૂકવી પડી છે તે નોંધપાત્ર છે.

નદીઓને જોડવાના લાભો અલબત્ત, દેખાય જ છે પરંતુ તેની સામે તેના અનેક ભયસ્થાનો પણ છે અને પડકારો પણ પ્રચંડ છે. નદીઓને જોડવાને બદલે જળ સંગ્રહ અને વહેંચણીના પ્રમાણમાં સરળ એવા અન્ય ઉપાયો અજમાવી શકાય તો  તે દિશામાં પણ વિચારવું જોઇએ. અબજો રૂપિયાના ખર્ચે કોઇ બે નદીઓને જોડવામાં આવે, સેંકડો વૃક્ષો કપાતા પર્યાવરણને તેનાથી વ્યાપક નુકસાન થાય, હજારો લોકો વિસ્થાપિત થાય કે પછી અન્ય રીતે અસરગ્રસ્ત બને અને બે નદીઓ જોડાયા બાદ ભવિષ્યમાં તેના હોનારતકારી પરિણામો આવે તો પછી ભાગ્યે જ કશું થઇ શકે, આથી જ નદીઓને જોડવાની યોજનાઓમાં બહુ સાવધાની રાખવાની જરૂર છે.

Most Popular

To Top