ગુજરાત શિક્ષણ ક્ષેત્રે સર્વગ્રાહી અને સર્વસમાવેશક પ્રયાસોને પગલે રાજ્યની યુનિવર્સિટીઓના રેન્કિંગમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. હવે, શિક્ષણક્ષેત્રે પણ ગુજરાત ગ્લોબલ લિડર બને તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતની યુનિવર્સિટીઓ પાસે જરૂરિયાત પ્રમાણેનું તમામ પ્રકારનું ભૌતિક સંશાધન ઉપલબ્ધ છે.
ત્યારે, આવનાર સમયમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આંતર માળખાકીય સુવિધાઓને વધુ બહેતર બનાવી ગુજરાતની યુનિવર્સિટીઓ ગ્લોબલ રેન્કિંગ હાંસલ કરે તે માટે આગામી ચાર વર્ષ માટેનો રોડ મેપ તૈયાર કરાશે, તેવું સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં યોજાઇ રહેલી રાજ્યના કુલપતિઓની બે દિવસીય સંગોષ્ઠિને સંબોધન કરતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું કે, યુનિવર્સિટીઓમાં ડેટા એનાલિસીસ સંસાધનો, ડેટા કલેક્શન અને નવા સંશોધન માટે હાયર એજ્યુકેશન એન્ડ ટેક્નોલોજી સેન્ટર ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત યુનિવર્સિટીમાંથી જ વિદ્યાર્થીઓને નોકરીની તકો મળી રહે તે માટે ઇન્ડસ્ટ્રીઝ લિંકેજ એન્ડ પ્લેસમેન્ટ સેન્ટર બનાવી સ્થાનિક કક્ષાએ યુવાનોને રોજગારી મળી રહે તે માટે પ્લેટફોર્મ પૂરૂ પાડવામાં આવશે. સ્થાનિક એકમોને તેમને જરૂરિયાત અનુસાર કૌશલ્યવાન માનવ સંપદા મળી રહેશે.
આ બે દિવસીય આ સંગોષ્ઠિમાં રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને IQAC કો-ઓર્ડિનેટર ભાગ લીધો હતો.
રાજ્ય મંત્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતુ કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સમાનતા અને સુલભતાના પાયા પર આધારિત છે. ગુજરાતની યુનિવર્સિટીઓ વૈશ્વિક કક્ષાની બને તે માટે રાજ્યના વિશ્વ વિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં જીએસઆઇઆરફએફની શરૂઆત કરવામાં આવી છે. જેના વિવિધ માપદંડો દ્વારા યુનિવર્સિટીઓમાં સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું થયું છે.