Madhya Gujarat

મોરવા હડફના વાડોદરમાં વનવિભાગ દ્વારા ખેતર ખેડી ઝુંપડુ તોડી પાડ્યું

ગોધરા: મોરવા હડફ તાલુકાના વાડોદર-૨ના પાટીયા પાછળ આવેલી  જંગલની જમીન ખેડુત ખેડતો હતો તેના પર વન વિભાગદ્વારા અચાનક  કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.વન વિભાગે ખેડુતનુ કાચુ મકાન દુર કરીને કબજો મેળવ્યો હતો. જ્યારે ખેડુત દ્વારા આ  જંગલની જમીન  મળી હોવાનુ રટણ કરવા સાથે ઉચ્ચકક્ષાએ રજુઆત કરનાર છે. પંચમહાલ જીલ્લાના આદિવાસી વિસ્તાર ધરાવતા મોરવા હડફથી સંતરામપુર તરફ જવાના માર્ગ ઉપર આવેલ વાડોદર- ૨ નાપાટીયા પાછળ  આવેલી જંગલની જમીન ખેડુત લક્ષ્મણભાઈ  માનાભાઈ ખાંટ  અને તેમનો પરિવાર  પાછલા કેટલાક વર્ષોથી  ખેતી કરીને પોતાના પરિવારનુ  ગુજરાન ચલાવતા હતા.

વનવિભાગ દ્વારા થોડા દિવસ પહેલા આં જંગલની જમીન ઉપર ખેડુતનુ કાચુ મકાન જેસીબી મશીન દ્વારા તોડી પાડતા ખેડુત અને તેનો પરિવાર ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો. વનવિભાગ  દ્વારા બે હેકટરથી વધુ જમીન પર કબજો કરવા સાથે સંરક્ષણ  દિવાલ  બનાવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. જયારે  ખેડુત લક્ષ્મણભાઈ ખાંટ દ્વારા નસીરપુર ખાતે પાનમ જળાશયમા મારા પરીવારની  જમીન ડુબાણમાં જતા તે વખતે પુનઃવસવાટ માટે  જમીન અમને આપવામા આવતા મારો પરિવાર આ જમીન પર વર્ષોથી વસવાટ કરવાની સાથે  ખેતી કરી રહયા છે.

ઉલ્લેખનિય છે કે વનવિભાગ દ્વારા અચાનક વર્ષો પછી રોડથી અડીને આવેલી જંગલની જમીન  ખેડુત જે ખેડતો હતો.તેના પર કાર્યવાહી કરવામા આવતા હાલ  તાલુકા પંથકમાં  ચર્ચાનો મુદ્દો બન્યો છે.વનવિભાગ દ્વારા આ બે હેકટર કરતા વધુ જંગલની  જમીન પર બામ્બો વાંસનુ પ્લાન્ટેશન કરવામા આવનાર છે.  ખેડુત લક્ષ્મણભાઈ ખાંટ આં જંગલની જમીન તેમની હોવાનુ રટણ કરી રહ્યા છે.ત્યારે વનવિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ શુ કાર્યવાહી હાથ ધરશે તે જોવુ બની રહ્યુ છે.

લક્ષ્મણભાઇ જંગલ જમીનમાં વર્ષોથી ખેડાણ કરી વસવાટ કરે છે

લક્ષ્મણભાઈ ખાંટ જણાવે છે કે આ જંગલની જમીન વર્ષોથી અમે ખેડાણ કરવા સાથે  વર્ષોથી વસવાટ કરીએ છે. થોડા દિવસપહેલા  વન વિભાગ સ્ટાફ અહી આવીને અમારૂ ઝુપડુ  જેસીબી મશીન દ્વારા તોડી પાડ્યુ હતુ. જે ખેડુત વર્ષોથી જંગલની જમીન ખેડતો હોય તેને સરકાર દ્વારા આપવામા આવતી હતી. અને મારા પરીવારની જમીન વર્ષો પહેલા નસીરપુર ખાતે પાનમ જળાશયમાં ડુબાણમાં જતા અમને પુનઃવસવાટ માટે  હેઠળ મળી છે.વનવિભાગ  દ્વારા ખોટી રીતે આંજગલની જમીન પર કબજો જમાવી દેવામા આવ્યો છે. જમીન  પરત મેળવા માટે જીલ્લા કલેકટરથી લઈને ઉચ્ચ અધિકારી સુધી લેખીત અને મૌખિક રજુઆત કરનાર છે જો પરત નહી મળે તો અમે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરીશુ.

ગેરકાયદેસર ખેતી અને બાંધકામ થયુ છે : RFO

વનવિભાગના આરએફઓ પ્રવિણભાઈ પરમાર જણાવ્યુ હતુ કે ખેડુત દ્વારા અમારી બે હેકટરથી વધારે જંગલની જમીન પર ગેરકાયેદસર રીતે કેટલાક વર્ષોથી ખેતી કરવામા આવી રહી હતી. અમારા દ્વારા ખેડુતને આ જમીનપર ખેતી કરતા અટકાવા સાથે કાચુ ઝુપડુ દુર કરવામા આવ્યુ હતુ. આ જંગલની જમીન પર બામ્બુ વાંસનુ પ્લાન્ટેશન  કરવામા આવનાર છે.વનવિભાગ દ્વારા તાલુકામાં આવેલી  જંગલની જમીન પર કોઈ પણ વ્યકિતએ દબાણ કર્યુ હશે. તેની સામે નિયમોનુસાર ની કાર્યવાહી કરાશે.

Most Popular

To Top