સુરત: કહેવાય છે કે સુરતના હીરા ઉદ્યોગમાં ચિઠ્ઠી પર કરોડોના હીરાના સોદા થાય છે. અહીંના બજારમાં હીરાને જોખમ કહેવામાં આવે છે અને કરોડોના હીરાનું જોખમ હીરા દલાલો અને વેપારીઓ બંડીમાં લઈને ફરતા હોય છે. વળી આ દલાલો અને વેપારીઓ માત્ર ચિઠ્ઠી પર જ કરોડોના હીરાના સોદા કરે છે અને ક્યારેય કોઈ તકરાર થતી નથી. ચિઠ્ઠી પર કરોડોના સોદા થવા પાછળનું કારણ છે વિશ્વાસ અને પ્રામાણિકતા. અહીંના હીરાના દલાલો અને વેપારીઓ એકબીજાના વિશ્વાસે જ ધંધો કરતા હોય છે. કારણ કે વેપારીને ખબર હોય છે કે દલાલ વિશ્વાસઘાત નહીં કરે અને દલાલ પણ જાણતો હોય છે કે તે સોદો કરશે તો વેપારી તેને ઊંધો નહીં પાડે. વળી, એટલું જ નહીં જોખમ લઈને ભાગદોડ કરતા હીરા દલાલોના હીરાના પડીકાં ક્યારેક ક્યાંક પડી જાય તો પણ તે હેમખેમ પાછા મળી રહે છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો.
વૈશ્વિક મંદીને (World Inflation ) લીધે હીરા ઉદ્યોગની (Diamond Industry) હાલત કફોડી છે. ત્યારે ઘોર મંદીમાં પણ હીરા દલાલનો (Diamond Broker) ઈમાન ડગ્યો નહીં,અને એકવીસ લાખનું રસ્તા પરથી મળેલું બિનવારસી હીરાનું પડીકું સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશનની ઓફિસમાં જઈ પરત કર્યું હતું.
- ઘોર મંદીમાં પણ હીરા દલાલનો ઈમાન ડગ્યો નહીં,એકવીસ લાખનું હીરાનું પડીકું પરત કર્યું
- સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશનનો મેસેજ મળતા જ મૂળ માલિક દોડી ગયા
- હીરા દલાલ હિમ્મત ઠુમરે ગદગદિત થઈ હીરાનું પડીકું પરત આપનાર રોહિત તરસરિયાનો આભાર માન્યો
13 પીસ 19/83 વજનનાં રૂપિયા 21 લાખના હીરાનું પેકેટ હીરા દલાલ રોહિતભાઈ તરસરિયાને મળ્યું હતું. જે એમણે સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશનની ઓફીસમાં જમા કરાવ્યું હતું અને સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન(SDBA)નાં બ્રોડકાસ્ટ ગ્રુપમાં મેસેજ મુકતા જે હીરા દલાલનું પેકેટ ખોવાયું હતું તે હિંમતભાઈ ઠુમ્મર દોડીને SDBAની ઓફિસમાં પહોંચ્યા હતા. પેકેટની જે ડિટેલ વિગત આપી હતી તે યોગ્ય નીકળતાં SDBA ની મધ્યસ્થીથી મુળ માલિકને તે પાર્સલ રોહિતભાઈ તરસરીયાની હાજરીમાં પરત આપવામાં આવ્યું હતું. પેકેટ ખોવાયા પછી ખૂબ ચિંતામાં મુકાયેલા હીરા દલાલ હિમ્મત ભાઈ ઠુમરે ગદગદિત થઈ રોહિતભાઈનો આભાર માન્યો હતો.