સરકાર દ્વારા ‘‘ઘર તક દસ્તક’’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત (Surat) મનપા દ્વારા પણ હવે ઘરે (Home) જઈને જઈને જેઓને વેક્સિન (Vaccine) લેવાની બાકી હોય તેઓને વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. બુધવારથી શરૂ કરાયેલા આ અભિયાનમાં મનપા દ્વારા કુલ 1700 લોકોને ઘરે જઈ જઈને વેક્સિન આપવામાં આવી હતી.
- હજી પણ શહેરમાં 13 લાખથી વધુ લોકોને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે ત્યારે મનપા દ્વારા આ અભિયાન થકી ઘરે જઈને લોકોને વેક્સિન આપવાની કવાયત હાથ ધરાઈ છે.
સુરત મનપા દ્વારા દેશમાં સૌ પ્રથમ દેશના સર્વે મુજબના તમામ 100 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાનો લક્ષ્યાંક સર કરવામાં આવ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં 105 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. અને 61 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ આપી દેવાયા છે. મનપા દ્વારા કુલ 36,36,932 લોકોને પ્રથમ ડોઝ અને 20,96,193 લોકોને બંને ડોઝ આપી દેવાયા છે. હજી પણ શહેરમાં 13 લાખથી વધુ લોકોને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે ત્યારે મનપા દ્વારા આ અભિયાન થકી ઘરે જઈને લોકોને વેક્સિન આપવાની કવાયત હાથ ધરાઈ છે. પ્રત્યેક હેલ્થ સેન્ટર દીઠ 2-2 ટીમ એમ કુલ 110 ટીમ બનાવવામાં આવી છે. જેઓ દ્વારા એક જ દિવસમાં કુલ 1700 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
છઠ્ઠ પૂજાના સ્થળે 534 લોકોને વેક્સિન અપાઈ
બુધવારે છઠ્ઠ પૂજા નિમિત્તે મોટી સંખ્યામાં લોકો કોઝવે અને તળાવો પર ભેગા થતા હોય છે. જેથી સુરત મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છઠ્ઠ પૂજાના સ્થળે જ મોબાઈલ વાન સાથે રાખી વેક્સિનેશન બાકી હોય તેઓને વેક્સીન આપવાની કામગીરી કરી હતી. જે અંતર્ગત સીંગણપોર કોઝવે, અમરોલી છાપરાભાઠા અને ઉત્રાણમાં છઠ્ઠ પૂજાના સ્થળો પર કુલ 534 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.