surat : 21મી જુનથી વેક્સિનેશન ( vaccination) કાર્યક્રમ કેન્દ્ર સરકારે પોતાના હાથ પર લીધા બાદ દરેક શહેરમાં બે ત્રણ દિવસ વધુમાં વધુ વેક્સિન આપવાના રેકોર્ડ થયા હતા સુરતમાં પણ તે દિવસોમાં રોજના 40 થી 45 હજાર લોકોનું વેક્સિનેશન થવા માંડતા શહેરીજનોમાં હવે તુરંત વેક્સિન ( vaccine) મળી જશે તેવી આશા ઉભી થઇ હતી પરંતુ આરંભે સુરી સરકારે સુરત મનપાની ( smc) મોટા પાયે વેકીસીનેશનની ક્ષમતા છતા પુરવઠો મર્યાદીત કરી દેતા હવે રોજે રોજ વેક્સિનેશન માટે ઘર્ષણની સ્થિતી જોવા મળી રહી છે. મનપા દ્વારા મોટા પાયે વેકીસનેશન સેન્ટોર પણ શરૂ કરી દેવાયા હતા પરંતુ હવે ફરીથી 35 ટકા સેન્ટરો બંધ કરી દેવા પડયા છે. શનિવારે શહેરમાં 29385 લોકોને વેકીસન અપાઇ હતી, જો કે લોક રવિવારે રજાનો દિવસ હોવાથી કામધંધો ના બગાડવો પડે તે વાત દ્યાને રાખીને રવિવારે વેક્સિન મુકાવવાનું વિચારતા હોય છે. પરંતુ રવિવારે વેક્સિનની અછતના પગલે માત્ર 17872 લોકોને જ વેક્સિન મૂકી શકાઇ હતી. જેમાં 10,699 ને પ્રથમ ડોઝ અને 7173 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
પર્વત પાટીયા ખાતે વેક્સિનનો ઓછો જથ્થો આવતા લોકો રોષ પુર્વક પરત ફર્યા
રવિવારે રજાનો દિવસ હોવાથી લોકો દરેક સેન્ટર પર સવારથી જ ઉમટવા માંડયા હતા, જો કે ગણતરીની મીનીટોમાં ટોકન ખુટી ગયા હોવાના પાટીયા લાગી જતા મોટા ભાગના લોકોને નિરાશા મળી હતી. ડીંડોલીના પર્વત પાટીયા સ્થિત સેન્ટરમાં ટોકન નહી હોવા છતા મહીલાઓ સહીતના લોકોએ વેક્સિન મળી જશે તેવી આશામાં કલાકો સુધી પગથીયા પર બેસીને રાહ જોઇ હતી. જો કે વેક્સિન નહી મળતા રોષ સાથે પરત ફર્યા હતા.
મકકાઇલ પુલ સ્થિત રંગ ઉપવન ખાતે પણ મનપા દ્વારા વેક્સિનેશન સેન્ટર ચલાવાઇ રહયું છે. તેમાં રવિવારે ટોકન લેવા વહેલી સવારથી લાંબી લાઇન લાગી હતી તેમજ જયારે ટોકન વિતરણ શરૂ થયું ત્યા સુધીમાં તો ભારે તડકો થઇ ગયો હતો. જો કે આમ છતા લોકો તડકામાં ઉભા રહીને ટોકન મળેવ્યા હતા પરંતુ માત્ર 100 લોકોને જ વેકીસન મળી હોય પરિવાર સાથે વેકીસન લેવા આવેલા લોકો નારાજગી વ્યકત કરી પરત ફર્યા હતા.
નગરસેવકોની ભલામણોથી પણ આરોગ્ય અધિકારીઓ ત્રાહિમા
એક બાજુ વેક્સિનનો જથ્થો ઓછો મળતો હોવાથી વેક્સિનેશનમાં ભારે અંધાધુંધીની સ્થિતી પ્રવર્તી રહી છે. તો બીજી બાજુ જે તે વિસ્તારના નગર સેવકો દ્વારા સ્થાનિક આરોગ્ય સ્ટાફ પર લાગતા વળગતાઓને વેકીસન આપવાવવા માટે ભલામણોનો મારો ચલાવવામાં આવી રહયો છે. કલાકો સુધી લાઇનમાં ઉભતા લોકોને સાઇડ ટ્રેક કરીને ઘણી જગ્યાએ નગર સેવકોની ભલામણવાળા લોકોને વેક્સિન મુકવા જતા ફરજ પરના સ્ટાફને ઘર્ષણની સ્થિતી પણ થઇ રહી છે.ખાસ કરીને ઉધના-લિંબાયત અને વરાછા વિસ્તારમાં વેક્સિનેશન સેન્ટરો પર સ્થાનિક નગર સેવકોની મનમાનીની ફરિયાદો ઉઠી રહી છે.