એક તરફ અમદાવાદમાં જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળશે કે કેમ ? તે મુદ્દે હજુયે અનિશ્વતતા પ્રવર્તી રહી છે ત્યારે રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિ જોઈને સરકાર આખરી નિર્ણય કરશે.
શુક્રવારે પોતાના જન્મદિને ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના મંદિરમાં દર્શન કરીને આરતીમાં ભાગ લીધો હતો. જાડેજા અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા વચ્ચે બેઠક થઈ હતી. રથયાત્રા પહેલા જુદી જુદી મદિર ખાતે વિધી યોજાતી હોય છે, તેની પૂરજોશમાં તેયારીઓ ચાલી રહી છે. એટલું જ નહીં જળયાત્રાની કાર્યક્રમ પણ યોજાનાર છે.
જાડેજાએ મંદિર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મંદિરોમાં ચુસ્ત રીતે ગાઈડલાઈનું પાલન કરીને 50થી વધુ ભક્તો ભેગા ના થાય તેની તકેદારી રાખવાની રહેશે. જગન્નાથજી મંદિરની જળયાત્રા કોવિડ ગાઈડલાઈન મુજબ યોજાશે. જાડેજાએ રથયાત્રા અંગે કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપેલા નિવેદન મુજબ કોરોનાના કેસોની સ્થિતિને જોઈને નિર્ણય કરાશે.