આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ઝડપથી વધી રહેલા રોકાણ વચ્ચે ટેકનોલોજી કંપનીઓ હવે ખર્ચ ઘટાડવા અને કર્મચારીબળનું પુનર્ગઠન કરવા તરફ પણ ધ્યાન આપી રહી છે. માઇક્રોસોફ્ટ બાદ હવે ગૂગલે પણ કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નોકરી છોડવાની યોજનાનો વિસ્તાર કર્યો છે. કંપનીએ કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડના પસંદગીના કર્મચારીઓને આ ઓફર આપી છે. આ યોજના હેઠળ નોકરી છોડવા ઇચ્છતા કર્મચારીઓને કંપની તરફથી નાણાકીય વળતર એટલે કે સવેન્સ પેકેજ આપવામાં આવે છે.
ગૂગલે જૂન 2026માં આ યોજનાનો વિસ્તાર કર્યો હતો. જોકે, કેટલા કર્મચારીઓ આ ઓફર માટે પાત્ર છે અને અત્યાર સુધી કેટલાએ તેને સ્વીકારી છે તેની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ હાલમાં AI અને ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ કરી રહી છે. કંપની ભવિષ્યના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ માનતી કામગીરીમાં સંસાધનો વધારી રહી છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે કર્મચારીઓની સંખ્યા, વિભાગો અને સંચાલન ખર્ચનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે.
નોકરી છોડવા બદલ કેટલું વળતર મળશે?
ગૂગલની સ્વૈચ્છિક નોકરી છોડવાની યોજનામાં સૌથી વધુ વિગતો સ્વિટ્ઝર્લેન્ડના કર્મચારીઓ માટે સામે આવી છે. અહીં ઓફર સ્વીકારનારા કર્મચારીઓને કંપનીમાં કામ કરેલા દરેક વર્ષના બદલામાં એક મહિનાના પગાર જેટલું વળતર આપવામાં આવે છે. જોકે, આ વળતરની મહત્તમ મર્યાદા 12 મહિનાના પગાર સુધી રાખવામાં આવી છે.
એટલે કે, જો કોઈ કર્મચારી ગૂગલમાં 12 વર્ષ કે તેથી વધુ સમયથી કામ કરતો હોય તો પણ તેને વધુમાં વધુ એક વર્ષના પગાર જેટલું વળતર મળશે. કંપનીએ સ્વિટ્ઝર્લેન્ડના કર્મચારીઓને જૂનના મધ્યમાં આ યોજના અંગે જાણ કરી હતી. ત્યારબાદ જુલાઈના મધ્ય સુધીમાં અરજીઓ અંગે નિર્ણય જણાવવામાં આવ્યો હતો. ઓફર સ્વીકારનારા કર્મચારીઓએ ઓગસ્ટથી કંપની છોડવાનું શરૂ કર્યું હતું.
જોકે, કેનેડા, ફ્રાન્સ, જર્મની અને જાપાનના કર્મચારીઓ માટે વળતરની ચોક્કસ શરતો જાહેર કરવામાં આવી નથી. તેથી સ્વિટ્ઝર્લેન્ડમાં લાગુ કરવામાં આવેલી વળતરની ગણતરી અન્ય દેશોમાં પણ લાગુ પડશે કે નહીં તે અંગે સ્પષ્ટતા નથી.
ગૂગલના તમામ કર્મચારીઓ આ ઓફર માટે પાત્ર નથી
ગૂગલની સ્વૈચ્છિક એક્ઝિટ યોજના કંપનીના તમામ કર્મચારીઓ માટે ઉપલબ્ધ નથી. કર્મચારી કયા દેશમાં કામ કરે છે, કયા વિભાગ સાથે જોડાયેલો છે અને તેની ભૂમિકા શું છે તેના આધારે પાત્રતા નક્કી કરવામાં આવે છે.
સ્વિટ્ઝર્લેન્ડમાં કંપનીના વિવિધ વિભાગોના કર્મચારીઓને આ ઓફર આપવામાં આવી હતી, પરંતુ ગૂગલની AI રિસર્ચ યુનિટ ડીપમાઇન્ડને તેમાંથી બાકાત રાખવામાં આવી હતી. અગાઉની કેટલીક સ્વૈચ્છિક એક્ઝિટ યોજનાઓમાં ગૂગલ ક્લાઉડ અને ડીપમાઇન્ડના કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવ્યા નહોતા.
અમેરિકામાં ગૂગલે વર્ષ 2025થી અલગ-અલગ વિભાગોમાં આવી યોજનાઓ રજૂ કરી છે. જૂન 2025માં કોમ્યુનિકેશન, કોર, નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન, માર્કેટિંગ અને રિસર્ચ વિભાગના કર્મચારીઓને સ્વૈચ્છિક નોકરી છોડવાની ઓફર આપવામાં આવી હતી. ફેબ્રુઆરી 2026માં ગ્લોબલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના કેટલાક કર્મચારીઓ માટે પણ આવી યોજના રજૂ કરવામાં આવી હતી.
જોકે, મોટા ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં રહેતી સેલ્સ ટીમ સહિતના કેટલાક વિભાગોને આ ઓફરમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. આ દર્શાવે છે કે કંપની કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની સાથે ચોક્કસ કામગીરી અને વિભાગોમાં જરૂરી કર્મચારીઓ જાળવી રાખવા માગે છે.
કેટલા કર્મચારીઓ નોકરી છોડશે?
ગૂગલે પાંચ દેશોમાં આ યોજનાનો લાભ લઈ શકે તેવા કર્મચારીઓની કુલ સંખ્યા જાહેર કરી નથી. સ્વિટ્ઝર્લેન્ડમાં કંપનીના આશરે 5,000 કર્મચારીઓ છે. એક અહેવાલ અનુસાર, લગભગ 50 કર્મચારીઓની ટીમમાંથી ઓછામાં ઓછા ચાર કર્મચારીઓએ સ્વૈચ્છિક નોકરી છોડવાની ઓફર સ્વીકારી હતી.
જોકે, આ આંકડો માત્ર એક ટીમનો છે. તેના આધારે સમગ્ર સ્વિટ્ઝર્લેન્ડ અથવા અન્ય દેશોમાં કેટલા કર્મચારીઓ નોકરી છોડશે તેનો અંદાજ લગાવી શકાય નહીં. કંપનીએ આ યોજના હેઠળ વૈશ્વિક સ્તરે કેટલા કર્મચારીઓ ઘટાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે તે પણ જાહેર કર્યું નથી.
માઇક્રોસોફ્ટે પણ 60 હજાર કર્મચારીઓને આપી ઓફર
ટેકનોલોજી ક્ષેત્રમાં કર્મચારીઓની સંખ્યા અને ખર્ચનું પુનર્ગઠન માત્ર ગૂગલ પૂરતું મર્યાદિત નથી. માઇક્રોસોફ્ટે પણ 26 ઓક્ટોબર 2026ના રોજ આશરે 60 હજાર કર્મચારીઓ માટે સ્વૈચ્છિક એક્ઝિટ ઓફર જાહેર કરી હતી. આ સંખ્યા કંપનીના વૈશ્વિક કર્મચારીબળના લગભગ 27 ટકા જેટલી હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ ઓફર અમેરિકા, ભારત, બ્રિટન અને કેનેડાના આંતરિક જોબ લેવલ 70 અને તેનાથી નીચેના પાત્ર કર્મચારીઓ માટે છે. જોકે, માઇક્રોસોફ્ટના તમામ વિભાગો આ યોજનામાં સામેલ નથી. કોપાઇલટ, AI એક્સપિરિયન્સ, વિન્ડોઝ પ્લસ ડિવાઇસિસ, એક્સબોક્સ, ફાઇનાન્સ અને હ્યુમન રિસોર્સિસ જેવા વિભાગોના કર્મચારીઓને ઓફર આપવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. બીજી તરફ, સેલ્સ, માર્કેટિંગ, કોમર્શિયલ બિઝનેસ અને સિક્યોરિટી વિભાગોને બાકાત રાખવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
ભારતમાં આ ઓફર હેઠળ પાત્ર કર્મચારીઓને કંપનીમાં પૂર્ણ કરેલા દરેક વર્ષ માટે એક મહિનાના બેઝિક પગાર જેટલું વળતર, હેલ્થ ઇન્શ્યોરન્સ અને કારકિર્દી પરિવર્તન માટે સહાય આપવાની જાણકારી છે. ભારતીય કર્મચારીઓએ 1 ડિસેમ્બર સુધીમાં ઓફર સ્વીકારવી કે નહીં તેનો નિર્ણય લેવાનો છે. કર્મચારીઓની વિદાય ડિસેમ્બરના અંત સુધીમાં થવાની ધારણા છે.
ગૂગલ અને માઇક્રોસોફ્ટનાં આ પગલાં દર્શાવે છે કે AI ક્ષેત્રમાં વધતા રોકાણની સાથે ટેકનોલોજી કંપનીઓ પોતાના કર્મચારીબળ અને ખર્ચનું પણ પુનર્ગઠન કરી રહી છે. જોકે, સ્વૈચ્છિક નોકરી છોડવાની ઓફરનો અર્થ એ નથી કે ભવિષ્યમાં કંપનીઓ છટણી નહીં કરે. ગૂગલના એક કિસ્સામાં સ્વૈચ્છિક એક્ઝિટ યોજના બાદ સંબંધિત વિભાગમાં કર્મચારીઓની છટણી પણ કરવામાં આવી હતી. આથી AI ક્ષેત્રમાં રોકાણ વધવાની સાથે ટેક કર્મચારીઓની નોકરીની સુરક્ષા અંગે પણ નવા સવાલો ઊભા થઈ રહ્યા છે.