India

દિવાળી-છઠ્ઠ પર ઘરે જવાનું છે? રેલવેએ દોડાવશે 1,053 સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ, જાણો રૂટ અને સમયગાળો ..

દિવાળી અને છઠ્ઠ પૂજા દરમિયાન ઘરે જવા માટે ટ્રેનની ટિકિટ મેળવવા મુસાફરોમાં ભારે દોડધામ શરૂ થઈ ગઈ છે. નિયમિત ટ્રેનોમાં અનેક રૂટ પર બુકિંગ શરૂ થતાં જ સીટો ભરાઈ રહી છે અને કેટલીક ટ્રેનોમાં ‘રિગ્રેટ’ અથવા લાંબી વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહી છે. મુસાફરોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ તહેવારો દરમિયાન 43 જોડી સ્પેશિયલ ટ્રેનો દ્વારા કુલ 1,053 ટ્રિપ્સ ચલાવવાની યોજના બનાવી છે. આ સેવાઓ 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર 2026 દરમિયાન 61 દિવસના સમયગાળામાં અલગ-અલગ રેલવે ઝોન દ્વારા ચલાવવામાં આવશે.આ વર્ષે દિવાળી 8 નવેમ્બરે અને છઠ્ઠ પૂજા 13થી 16 નવેમ્બર દરમિયાન રહેશે. આ સમયગાળામાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની સંખ્યા વધવાની શક્યતા છે. તેથી રેલવે દ્વારા મુસાફરોને નિયમિત ટ્રેનો ઉપરાંત વધારાના વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. કેટલીક સ્પેશિયલ ટ્રેનો સમગ્ર સમયગાળામાં મર્યાદિત સંખ્યામાં દોડશે, જ્યારે કેટલીક ટ્રેનો અઠવાડિયામાં એક કે બે દિવસ ચલાવવામાં આવશે.

નોર્ધર્ન રેલવે દ્વારા અનેક મહત્વપૂર્ણ રૂટ પર સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. તેમાં પ્રયાગરાજ જંક્શનથી શકૂરબસ્તી, કાનપુર સેન્ટ્રલથી નવી દિલ્હી, કાનપુર સેન્ટ્રલથી આનંદ વિહાર ટર્મિનલ, પ્રયાગરાજથી હઝરત નિઝામુદ્દીન અને આગ્રા કેન્ટથી પલવલ જેવા રૂટ સામેલ છે. ઉદાહરણ તરીકે, ટ્રેન નંબર 02455/02456 કાનપુર સેન્ટ્રલ-નવી દિલ્હી વચ્ચે 2 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે દોડશે. જ્યારે 01941/01942 આગ્રા કેન્ટ-પલવલ સ્પેશિયલ ટ્રેન 1થી 31 ઓક્ટોબર દરમિયાન દરરોજ ચલાવવામાં આવશે.વેસ્ટર્ન રેલવેના રૂટ પણ ગુજરાત અને ઉત્તર ભારતના મુસાફરો માટે મહત્વપૂર્ણ છે. તેમાં કાનપુર સેન્ટ્રલ-અસારવા, આગ્રા કેન્ટ-ઉધના, અસારવા-આગ્રા કેન્ટ, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી-બાંદ્રા ટર્મિનસ, પ્રયાગરાજ-ઉધના, પ્રયાગરાજ-સાબરમતી બીજી, સૂબેદારગંજ-બાંદ્રા ટર્મિનસ, પ્રયાગરાજ-દાદર અને સૂબેદારગંજ-ઉધના જેવા રૂટ સામેલ છે. આ ટ્રેનો ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચે મુસાફરી કરનારા લોકો માટે વધારાનો વિકલ્પ આપશે.

ઈસ્ટર્ન રેલવે દ્વારા આગ્રા કેન્ટથી કોલકાતા અને કાનપુર સેન્ટ્રલથી કોલકાતા વચ્ચે પણ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. જ્યારે સાઉથ વેસ્ટર્ન રેલવે તરફથી પ્રયાગરાજથી હુબલી, કાનપુરથી બેંગલુરુ અને સૂબેદારગંજથી યશવંતપુર જેવા રૂટ પર સેવાઓ રહેશે. સાઉધર્ન રેલવેમાં કાનપુર સેન્ટ્રલથી મદુરાઈ તથા પ્રયાગરાજથી કન્યાકુમારી સુધીની સ્પેશિયલ ટ્રેનો સામેલ છે. નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવે દ્વારા કાનપુર સેન્ટ્રલથી ગુવાહાટી વચ્ચે પણ વધારાની ટ્રેન સેવા આપવામાં આવશે.રેલવે અધિકારીઓ મુસાફરોની માંગ અને વેઇટિંગ લિસ્ટ પર સતત નજર રાખી રહ્યા છે. જો કોઈ રૂટ પર મુસાફરોની સંખ્યા વધારે રહે અને ટિકિટની માંગ વધે તો વધુ સ્પેશિયલ ટ્રિપ્સ ઉમેરવાની શક્યતા પણ રાખવામાં આવી છે. તહેવારો દરમિયાન સ્ટેશનો પર ભીડ નિયંત્રિત કરવા વધારાના કોમર્શિયલ સ્ટાફ અને RPF જવાનોની તૈનાતી કરવામાં આવશે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે ટિકિટ બુક કરતાં પહેલાં પોતાના રૂટની નવીનતમ ટ્રેન યાદી, તારીખ અને ચાલવાના દિવસની માહિતી ચોક્કસ તપાસે.

Most Popular

To Top