સોમવારે રાત્રે વાવાઝોડા સાથે તોફાની વરસાદથી ખાનાખરાબી
ભાયલીમાં સોલર પેનલો ઉડી, લાઈટો ગુલ થતાં લોકો લિફ્ટમાં ફસાયા; મ્યુનિસિપલ કમિશનરે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સ્થિતિ પર નજર રાખી
વડોદરા : શહેરમાં સોમવારે રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અસહ્ય બફારા બાદ ભારે પવન તથા ગાજવીજ સાથે તોફાની વરસાદ તૂટી પડ્યો હતો. લાંબા સમયની ગરમી બાદ મેઘરાજાના આગમનથી નાગરિકોને ગરમીથી આંશિક રાહત તો મળી હતી, પરંતુ ભારે વાવાઝોડાને કારણે સમગ્ર શહેરમાં ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. તોફાની પવનના લીધે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 45થી વધુ વૃક્ષો અને ઝાડની ડાળીઓ ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો

વરસાદ અને ભારે પવનના કારણે વીજળીના લાઈવ તાર તૂટી પડવાની અને વીજપોલ પર શોર્ટ સર્કિટ થવાની અસંખ્ય ઘટનાઓ બની હતી. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીમાં વીજપોલ પર ભયાનક શોર્ટ સર્કિટ થતાં આકાશમાં તણખા ઉડતા જોવા મળ્યા હતા. વીજ લાઈનોમાં સર્જાયેલી આ ગરબડના લીધે શહેરના આશરે 8 જેટલા જુદા-જુદા વિસ્તારોમાં આગ લાગવાના બનાવો પણ સામે આવ્યા હતા. આ ઉપરાંત, ભાયલી વિસ્તારમાં ભારે પવનના કારણે ઘરોના ધાબા પર ફિટ કરવામાં આવેલી સોલર પેનલો હવામાં ફંગોળાઈ ગઈ હતી, જેના લીધે મોટું આર્થિક નુકસાન થયું હતું.

તોફાનના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ગુલ થઈ ગયો હતો. લાઈટો અચાનક ચાલી જ જવાને કારણે શહેરની કેટલીક હાઈરાઈઝ રહેણાંક બિલ્ડિંગોની લિફ્ટ અધવચ્ચે જ અટકી પડી હતી. લિફ્ટ બંધ થઈ જવાને લીધે તેમાં સવાર નાગરિકો કલાકો સુધી અંદર જ ફસાયેલા રહ્યા હતા, જેના કારણે લોકોમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગઈ હતી. આ અફરાતફરીની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની અલગ-અલગ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા, તેમજ રસ્તાઓ પર આડા પડેલા પતરાં અને ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવી વાહનવ્યવહાર ફરી પૂર્વવત રશ કર્યો હતો.

બીજી તરફ, મોડી રાત્રે સર્જાયેલી આ ઈમરજન્સીની સ્થિતિને પગલે તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળ્યું હતું. વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ રાત્રે જ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે પહોંચી ગયા હતા. તેમણે કંટ્રોલ રૂમમાં લગાવેલા વિવિધ કેમેરાના ફૂટેજ તપાસીને સમગ્ર શહેરની નુકસાની અને કટોકટીની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને રાહત બચાવની કામગીરી ઝડપી બનાવવા સંબંધિત તમામ અધિકારીઓને સ્થળ પરથી જ જરૂરી સૂચનાઓ આપી હતી.