મનપાની સભાગૃહમાં સ્થાયી સમિતિની દરખાસ્તો રજુ થતી હતી ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અસ્મિતા ધોરાજીયાએ પુણા વિસ્તારમાં ખાડીપુરની અસરગ્રસ્ત મિલકતોમાં વેરામાફીની યોજના છતા વેરાબીલ ઇસ્યુ કરાયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે મેયરે દરખાસ્તમાં રજુ થયેલા કામ પર જ બોલો તેવી સુચના આપતા વિપક્ષી સભ્યએ રોકડુ પરખાવ્યું હતું કે, ગૃહમાં પ્રજાના પ્રશ્નોની રજુઆત કરીયે તે વિષય પર જ કહેવાય છે. મેયરે કહયુ કે આ મુદ્દા માટે અલગથી પત્ર મોકલજો ત્યારે અસ્મિતા ધોરાજીયાએ ફરી રોકડુ પરખાવ્યું હતુ કે, અમે માંગણી કરી હોવા છતા જીરો અર્વસમાં અમને બોલવા દેવામાં આવતા નથી તો કયારે રજુઆત કરીયે આમ શાસકોની બોલતી બંધ કરીને આપના કોર્પોરેટરો પોતાની રજુઆત પુરી કરી હતી. આ ઉપરાંત કોટ વિસ્તારના કોર્પોરેટર સંદિપ ચલકવાલાએ કોટ વિસ્તારમાં ખાસ કરીને રાજમાર્ગ અને ચોટાપુલના દબાણો બાબતે રજુઆત કરતા જણાવ્યું હતું કે, અમે ઝોનમાં રજુઆત કરીયે તો સ્ટાફના અછતનું બહાનું આગલ ધરાય છે. જો સ્ટાફની અછત હોય તો પુરતુ મહેકમ ફાળવો પરંતુ દબાણો સામેની કાર્યવાહી વધુ અસરકારક બનાવો.
ખાડીપુરના કાયમી નિરાકણની યોજના જડપથી હાથ ધરો : રાજપુરોહીત
પરવટ વિસ્તારના કોર્પોરેટર દિનેશ રાજપુરોહીતે સભાગૃહમાં ખાડીપુરના કાયમી ઉકેલ પર ભાર મુકતા જણાવ્યું હતુ કે, આ વખતે ત્રણ ત્રણ વખતના ખાડીપુરથી સ્થાનિક મિલકતદારો અને વેપારીઓનો મોટુ નુકશાન થયું છે. હવે ખાડીપુરના ઉકેલના આયજનો જડપથી આગળ વધારો સરકાર પણ મનપાની સાથે છે. સરકારે 500 કરોડ ફાળવી દીધા છે. તો હવે લાંબા અને ટુંકા ગાળાના જે આયજનો વિચારાયા છે તે જડપથી હાથ ધરો અને આગામી ચોમાસા પહેલા અસરકારક કામગીરી કરવી જરૂરી છે.
મુંબઇની જેમ સુરતના રસ્તા અને દિવાલોનું બ્યુટીફીકેશન થવુ જોઇએ : વ્રજેશ ઉનડકટ
પુર્વ સ્થાયી સમિતિ ચેરમેન વ્રજેશ ઉનડકટે સામાન્યસભામાં રજુઆત કરતા જણાવ્યું હતુ કે, શહેરમાં રસ્તાઓ અને દિવાલોનું બ્યુટીફીકેશન નવતરરીતે થવું જોઇએ હાલમાં જુની પરંપરા મુજબ જ વોલ પેઇન્ટ અને ડીવાઇડરોનું સુશોભન થાય છે, બીઆરટીએસની ગ્રીલો ઘણી જગ્યાએથી તુટેલી છે. તેમણે મુંબઇ અને અન્ય વિકસીત શહેરોનો દાખલો આપતા જણાવ્યું હતુ કે, ત્યા જે રીતે નવા કોન્સેપ્ટથી વોલ પેઇન્ટીંગ અને ડીવાઇડરો, બીઆરટીએસની ગ્રીલ બ્રીજ વગેરેનું શુસોભન થાય છે તે રીતે થવું જોઇએ. આ ઉપરાંત તેમણે મેટ્રોના રૂટ પર ઇમારતોને એફએસઆઇમાં છુટછાટ આપવા પણ સુચન રજુ કર્યું હતું.
સીમાડા નાકાથી મોટાવરાછા વચ્ચે આરસીસી રોડ દોઢ વર્ષથી ફાઇલોમાં અટવાય છે
મનપાની સામાન્ય સભામાં શહેરમાં કેટલા સીસી રોડ બન્યા વગેરેની માહીતી માંગતા ભાજપના સભ્ય દીગ્વીજયસિંહ બારડની પ્રશ્નોતરીના જવાબમાં મનપા કમિશનર બેનીવાલ માહીતી આપી રહયા હતા તેમાં સીમાડાનાકથી મોટા વરાછા સુધીના મુખ્ય રસ્તાને પણ સીસી રોડ બનાવવાનું કામ ચાલુ હોવાની માહીતી આપતા વિપક્ષના સભ્ય ધર્મેશ ભંડેરીએ ધ્યાન દોર્યુ હતું કે કમિશનરને અધિકારીઓ દ્વારા અપાતી માહીતી ખોટી હોય શકે છે. કેમકે આ રસ્તો દોઢ વર્ષથી મંજુર થવા છતા હજુ સુધી સીસીરોડનું કામ ચાલુ થયું નથી.