સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના શ્રી દ્વારકાધીશ જગત મંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે મંદિર વ્યવસ્થાપક સમિતિએ નવો નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. હવે મંદિર પરિસરમાં ખાનગી ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરાવી શકાશે નહીં. જોકે, શ્રદ્ધાળુઓને ચોક્કસ ફી ભરીને અને પૂર્વ મંજૂરી મેળવીને સત્તાવાર રીતે આ સુવિધા આપવામાં આવશે. આ માટે ભાવિકોએ ₹2,500ની ફી ચૂકવવાની રહેશે. દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં આ અંગે ખાસ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ઠરાવ નંબર 11 મુજબ, તમામ સભ્યોની સંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં ધ્વજાજી ચડાવવા, વિશેષ ભોગ-મનોરથ કરવા અથવા વર્ષ દરમિયાન યોજાતા વિવિધ ધાર્મિક ઉત્સવોના પ્રસંગે શ્રદ્ધાળુઓ યાદગીરી માટે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરાવી શકશે. આ સેવા મેળવવા ઇચ્છતા ભાવિકોએ સૌપ્રથમ દ્વારકાધીશ મંદિરની કચેરીમાં ₹2,500ની ફી જમા કરાવવાની રહેશે. ત્યારબાદ કચેરીમાંથી અગાઉથી જરૂરી મંજૂરી મેળવવી પડશે. મંજૂરી મળ્યા બાદ જ ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરાવી શકાશે.
નવા નિયમ મુજબ, શ્રદ્ધાળુઓ પોતાની પસંદગીના ખાનગી કેમેરામેનને મંદિર પરિસરમાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી માટે લઈ જઈ શકશે નહીં. આ કામગીરી માત્ર મંદિર વ્યવસ્થાપક સંસ્થા દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અને માન્યતા પ્રાપ્ત ફોટોગ્રાફર પાસે જ કરાવવાની રહેશે. આ ઉપરાંત ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી દરમિયાન મંદિર દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોનું પાલન કરવું ફરજિયાત રહેશે. તાજેતરમાં મંદિર પરિસરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને વિવાદ સર્જાયા બાદ વ્યવસ્થાપક સમિતિએ આ વ્યવસ્થા અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી હવે મંદિરના ધાર્મિક પ્રસંગોની યાદગીરી સાચવવા ઇચ્છતા ભાવિકો માટે સત્તાવાર વ્યવસ્થા ઉપલબ્ધ થશે, પરંતુ તેના માટે પૂર્વ મંજૂરી અને નિર્ધારિત ફી ચૂકવવી પડશે.