ઘેજ: ચીખલી નજીકના ખૂંધ ગામમાં મુખ્ય માર્ગે સ્થિત સાતપીપળા પાસે મંદિર ખસેડવાની તજવીજથી લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ જતાં પરિસ્થિતિ વણસે તે પૂર્વે તંત્ર દ્વારા કામગીરી મોફૂક રાખવાની નોબત આવી હતી. જોકે લોકો રાત્રે કલાકો સુધી મંદિર પાસે બેસી રહ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ ચીખલી-વાંસદા રાજ્ય ધોરી માર્ગ ઉપર ખૂંધ ગામમાં સાતપીપળા પાસે આવેલું વર્ષો જૂનું મંદિર રોડ માર્જિનમાં આવતું હોવાનું જાહેર કરી ઘણા સમયથી આ મંદિર તોડી અન્ય સ્થળે ખસેડવા માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોઈ પરિણામ ન મળતાં સોમવારે રાત્રે માર્ગ-મકાન વિભાગ દ્વારા જેસીબી જેવાં યાંત્રિક સાધનોની વ્યવસ્થા સાથે પોલીસ બંદોબસ્તની તજવીજ હાથ ધરાતાં આ અંગેની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં મંદિર પાસે એકત્ર થઈ ગયા હતા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઇ સહિતના આગેવાનો પણ ધસી ગયા હતા. દેવદિવાળી પૂર્વે આગોતરી જાણ કર્યા વિના આ રીતે મંદિર તોડવાની તજવીજ માટે જવાબદાર અધિકારીઓનો ઉધડો લેતાં એક સમયે વાતાવરણ ગરમાયું હતું. જોકે બાદમાં તંત્ર દ્વારા હાલ પૂરતું કામ મુલતવી રાખવામાં આવતાં લોકો પણ ત્યાંથી રવાના થયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા મંદિરની બીજી વ્યવસ્થા કર્યા વિના આ રીતે તોડવાની તજવીજથી હિન્દુઓની લાગણી દુભાય તેવી સ્થિતિ સર્જાતાં અને ઘટના સ્થળે ધારાસભ્ય અનંતભાઇ પટેલ પણ આવવાના મેસેજથી વાતાવરણ ગરમાયું હતું.