ભારતીય રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આશા વ્યક્ત કરી છે કે નાણાકીય વર્ષ 2026-27ના અંત સુધીમાં રેલવેમાં મુસાફરી કરનારા મુસાફરોની કુલ સંખ્યા 800 કરોડને સ્પર્શી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2027ના અંત સુધીમાં મુસાફરોની સંખ્યા કોવિડ મહામારી પહેલાંના સ્તરે પહોંચી જવાની શક્યતા છે.
25 માર્ચ, 2020ના રોજ દેશવ્યાપી કોવિડ-19 લોકડાઉન લાગુ થતાં પેસેન્જર ટ્રેન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. તે પહેલાં નાણાકીય વર્ષ 2019-20માં રેલવેમાં મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા આશરે 808.6 કરોડ હતી. ટ્રેન સેવાઓ બંધ થવાથી અને ત્યારબાદ તબક્કાવાર શરૂ થવાને કારણે 2020-21માં આ આંકડો ઘટીને માત્ર 125 કરોડ થઈ ગયો હતો.
જોકે, ત્યારબાદ રેલવેમાં મુસાફરોની સંખ્યામાં ધીમે ધીમે વધારો નોંધાયો છે. વર્ષ 2018-19માં રેલવેના ઇતિહાસમાં સૌથી વધુ 843.9 કરોડ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. જ્યારે 2024-25માં આ સંખ્યા 729.3 કરોડ રહી હતી. 2025-26માં મુસાફરોનો આંકડો વધીને 740 કરોડ થયો હતો. આમ છતાં, આ આંકડો 2018-19ના રેકોર્ડ કરતાં આશરે 100 કરોડ ઓછો છે.
રેલવે મંત્રાલયે 2025-26ના 740 કરોડ મુસાફરોના શ્રેણીવાર આંકડા હજુ જાહેર કર્યા નથી. જોકે, 2018-19 અને 2024-25ના ઉપલબ્ધ આંકડાઓ પરથી કોવિડ બાદ રેલવેમાં મુસાફરીની પદ્ધતિ અને મુસાફરોની સંખ્યામાં થયેલા ફેરફારોનો અંદાજ મળે છે. હવે રેલવે મંત્રીના અંદાજ મુજબ, 2026-27માં મુસાફરોની સંખ્યા 800 કરોડ સુધી પહોંચે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.