વડોદરા શહેરમાં ડમ્પર બાદ હવે ડોર ટુ ડોર કચરાની ગાડીઓનો આતંક સામે આવ્યો છે. વહેલી સવારે દાંડિયા બજાર રોડ પર ડોર ટુ ડોર કચરાની ગાડીએ એક્ટિવા ચાલકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક્ટિવા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે દાંડિયા બજાર રોડ પર કચરાની ગાડી પસાર થઈ રહી હતી, તે દરમિયાન ગાડીએ એક્ટિવાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં કચરાની ગાડીના આગળના ભાગ નીચે એક્ટિવા ફસાઈ ગયું હતું. એક્ટિવા ક્ષતિગ્રસ્ત હાલતમાં રોડ પર પડેલું જોવા મળ્યું હતું. ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એક્ટિવાને ગાડી નીચેથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઇજાગ્રસ્ત એક્ટિવા ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં રોજબરોજ વધી રહેલા અકસ્માતો વચ્ચે બેફામ બનેલી ડોર ટુ ડોર કચરાની ગાડીઓ પર ટ્રાફિક પોલીસ ક્યારે કડક કાર્યવાહી કરશે અને કચરાની ગાડીઓના કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે કે કેમ તેવા સવાલો હવે શહેરીજનોમાં ઉઠી રહ્યા છે.