વાપી : વાપી ટાઉનમાં અભિષેક જવેલર્સના સંચાલકને પાંચ કરોડની ખંડણી માટે ડરાવવા હુમલો કરનાર ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જુગરાજસિંઘ ઉપર રવિવારે ફાયરિંગ થયાના બનાવમાં પોલીસ જીપના ડ્રાઈવર એએસઆઈ સુનિલ મિશ્રાની ફરિયાદને આધારે ટાઉન પોલીસે ગુનો નોંધ્યો છે. એસઓજી પીઆઈ ડી.ડી.પરમારે ડ્રાઈવર મિશ્રાનો જીવ બચાવવા માટે ત્રણેક વાર હિન્દીમાં આરોપીને ચેતવણી આપી કહયું હતું કે ‘’છોડ દે નહીં તો ફાયરિંગ કરની પડેગી’’ જોકે આ ચેતવણી બાદ પણ આરોપી ટસથી મસ નહીં થતાં પીઆઈ પરમારે આરોપી જુગરાજસિંઘના પગમાં ગોળી મારી ડ્રાઈવરનો જીવ બચાવ્યો હતો. ત્રણે આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં આઠ દિવસના રિમાન્ડ હેઠળ છે.
રવિવારે જે રીતે હોસ્પિટલથી વાપી ટાઉન પોલીસ મથકે બે જીપમાં ત્રણ આરોપીને પોલીસની ટીમ પરત લઈ જતા હતા ત્યારે સવારે ૧૧.૩૫ કલાકે આ બનાવ બન્યો હતો. ત્યારે એક આરોપી જુગરાજસિંઘ ઉર્ફે યુ.વી. સુખદેવસિંઘ સરદુલસિંઘ ગીલ (ઉ.વ.૩૫) પીઆઈની જીપમાં હતો. બલીઠા અંડરપાસમાં વચ્ચે આ જીપ પહોંચી ત્યારે જીપના ડ્રાઈવર એસઓજી એએસઆઈ સુનિલ સુરેશચન્દ્ર મિશ્રાને ગળાના ભાગે પાછળ બેસેલા આરોપી જુગરાજસિંઘે હથકડીથી ફાંસો નાંખી ખેંચતા જીપનું બેલેન્સ ગુમાવી દીધું હતું. તે સમયે આરોપીની બાજુમાં બેઠેલા એસઓજી પીઆઈ ડી.ડી.પરમારે હિન્દીમાં ત્રણેક વખત કહયું હતું કે છોડ દે નહીં તો ફાયરિંગ કરના પડેગા કહેતા પણ આરોપી ટસથી મસ નહીં થતા પીઆઈ પરમારે જુગરાજસિંઘના પગમાં ગોળી મારી હતી.