ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર આમને-સામને ટકરાવા જઈ રહી છે. તાજેતરમાં અંડર-19 ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે બપોરે 3 વાગ્યાથી મહામુકાબલો રમાશે. તિલક વર્માની આગેવાની હેઠળની ઈન્ડિયા A ટીમ પાકિસ્તાન A સામે મેદાનમાં ઉતરશે. આ મેચનું જીવંત પ્રસારણ Sony Sports Networkની ટીવી ચેનલો અને Sony LIV પર કરવામાં આવશે. ક્રિકેટપ્રેમીઓ આ મુકાબલો બપોરે 3 વાગ્યાથી લાઇવ નિહાળી શકશે. આ ગ્રુપ Bની મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ઓપનર અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી પર ખાસ નજર રહેશે. સાથે જ વૈભવ અને પાકિસ્તાની ફાસ્ટ બોલર અલી રઝા વચ્ચેની ટક્કર પણ રસપ્રદ બની શકે છે.
દોહામાં રમાનારી આ મેચ પહેલાં બંને ટીમો પોતાની પ્રથમ મેચ જીતી ચૂકી છે. ઈન્ડિયા Aએ ટૂર્નામેન્ટની શરૂઆત નેપાળ સામે 306 રનના વિશાળ અંતરથી જીત મેળવીને કરી હતી. બીજી તરફ પાકિસ્તાન શાહીનસે UAEને 61 રનથી હરાવ્યું હતું. તેથી બંને ટીમો જીતનો સિલસિલો જાળવી રાખવા મેદાનમાં ઉતરશે. ગ્રુપ Bની સ્થિતિ અને આગળના તબક્કામાં પહોંચવાની દૃષ્ટિએ પણ આ મુકાબલો મહત્ત્વનો રહેશે. ભારતીય ટીમની ઓપનિંગ જોડી અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી પર સૌની નજર રહેશે. નેપાળ સામેની પ્રથમ મેચમાં બંને ખેલાડીઓ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. તેથી પાકિસ્તાન સામે તેઓ શાનદાર વાપસી કરવા ઇચ્છશે. અભિષેક શર્મા અગાઉ પણ પાકિસ્તાન સામે અનેક મહત્ત્વપૂર્ણ મુકાબલા રમી ચૂક્યો છે. એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં પણ તે પાકિસ્તાની ટીમનો સામનો કરી ચૂક્યો છે.
બીજી તરફ, વૈભવ સૂર્યવંશી અને પાકિસ્તાની ફાસ્ટ બોલર અલી રઝા વચ્ચેની ટક્કર ખાસ રસપ્રદ બની શકે છે. અંડર-19 એશિયા કપ 2025ની ફાઇનલમાં વૈભવે અલી રઝાની પ્રથમ ઓવરમાં બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. જોકે, ત્યારબાદની ઓવરમાં અલી રઝાએ વૈભવને આઉટ કર્યો હતો. હવે બંને ખેલાડીઓ ફરી એકવાર સામસામે હશે. વૈભવ આ વખતે મોટી ઇનિંગ રમીને પોતાની બેટિંગ ક્ષમતા બતાવવા ઇચ્છશે. ભારતીય ટીમની બેટિંગની વાત કરીએ તો કેપ્ટન તિલક વર્મા અને કુમાર કુશાગ્રએ નેપાળ સામેની પ્રથમ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. બંને ખેલાડીઓની બેટિંગે ભારતીય ટીમના મિડલ ઓર્ડરની તાકાત દર્શાવી હતી. પાકિસ્તાન સામે પણ આ બંને ખેલાડીઓ પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રહેશે. ખાસ કરીને દબાણની સ્થિતિમાં મિડલ ઓર્ડરની ભૂમિકા ભારતીય ટીમ માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.
નેપાળ સામે ભારતીય બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવે મળીને નેપાળની ટીમને માત્ર 26 રનમાં ઓલઆઉટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, પાકિસ્તાનની બેટિંગ લાઇનઅપ સામે ભારતીય બોલરોની અસલી કસોટી થશે. પાકિસ્તાની બેટ્સમેનોને રન બનાવતા રોકવા માટે ભારતીય બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરવાની સાથે શરૂઆતથી જ દબાણ જાળવી રાખવું પડશે. આ મુકાબલો માત્ર ગ્રુપ સ્ટેજની મેચ નથી, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રતિષ્ઠાની લડાઈ પણ છે. બંને ટીમો પોતાની પ્રથમ મેચ જીતી ચૂકી હોવાથી આ મેચમાં જીત મેળવવા પૂરો પ્રયાસ કરશે. હવે જોવાનું એ રહેશે કે તિલક વર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની જીતનો સિલસિલો આગળ વધારી શકે છે કે નહીં.