દિલ્હીની એક કોર્ટે વર્ષ 2018ના માનહાનિના કેસમાં યુટ્યુબર ધ્રુવ રાઠી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (NBW) જારી કર્યું છે. સોમવારે ન્યાયિક મેજિસ્ટ્રેટ અનમ રઈસ ખાને આ આદેશ આપ્યો હતો. વિકાસ સંસ્કૃતાયન ઉર્ફે વિકાસ પાંડે દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસ ધ્રુવ રાઠીની યુટ્યુબ ચેનલ પર પાંડે વિરુદ્ધ અપલોડ કરવામાં આવેલા એક વીડિયો સાથે સંબંધિત છે. મામલાની આગામી સુનાવણી 3 ડિસેમ્બરે યોજાશે. જોકે, કોર્ટના વિગતવાર આદેશની રાહ જોવાઈ રહી છે.
આ પહેલાં 31 ઓક્ટોબરે કોર્ટે ધ્રુવ રાઠી વિરુદ્ધ નવેસરથી જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. 17 ઓક્ટોબરે નોટિસ બજાવવા ગયેલા પ્રોસેસ સર્વરે રાઠીનું ઘર બંધ હોવાનો અહેવાલ આપ્યો હતો. ત્યારબાદ કોર્ટે તેમના ગુરુગ્રામ સ્થિત સરનામે નવાં સમન્સ પણ પાઠવ્યાં હતાં.
સુનાવણી દરમિયાન રાઠીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ સામાન્ય રીતે ઓસ્ટ્રિયામાં રહે છે અને દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે ધ્રુવ રાઠીને આ કેસમાં સૌપ્રથમ જુલાઈ 2019માં સમન્સ પાઠવવામાં આવ્યા હતા. વિકાસ પાંડેએ વર્ષ 2018માં રાઠી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ, રાઠીએ પોતાની યુટ્યુબ ચેનલ પર તેમના વિશે વીડિયો અપલોડ કર્યો હતો. આ મામલે હવે 3 ડિસેમ્બરની સુનાવણીમાં કોર્ટ શું કાર્યવાહી કરે છે તેના પર નજર રહેશે.