સુરત જિલ્લાના ૪૯૦ ગામોમાં સરપંચ બનવા માટે રાજકીય ગણતરીઓનો દોર શરૂ થઈ ગયો છે. સરપંચ પદનું અનામત રોટેશન જાહેર થતાં જ અનેક ગામોમાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા દાવેદારોનાં સમીકરણો બદલાઈ ગયાં છે. ક્યાંક નવા ચહેરાઓને તક મળવાની શક્યતા ઊભી થઈ છે તો ક્યાંક અનામતની કેટેગરી બદલાતાં અગાઉથી તૈયારી કરી રહેલા સંભવિત ઉમેદવારોને હવે નવેસરથી વ્યૂહરચના ઘડવાની નોબત આવી છે. નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય હલચલ તેજ બની છે.
ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની જોગવાઈઓ અને રાજ્ય સરકારના પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર તેજસ પરમાર (IAS) દ્વારા સરપંચ પદનું અનામત રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા બિનઅનામત (સામાન્ય વર્ગ) માટે બેઠકો નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક અનામત કેટેગરી અને સામાન્ય વર્ગમાં મહિલાઓ માટે પણ સરપંચ પદ અનામત રાખવામાં આવ્યાં છે. જિલ્લાના ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, માંડવી, કામરેજ, ચોર્યાસી, પલસાણા, બારડોલી, મહુવા, અરેઠ અને અંબિકા સહિતના ૧૧ તાલુકાની કુલ ૪૯૦ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાશે. જ્યારે અન્ય ૧૩ ગામોમાં પેટાચૂંટણી યોજાવાની છે. રોટેશન જાહેર થયા બાદ હવે કયા ગામમાં કઈ કેટેગરીનું સરપંચ પદ રહેશે તે સ્પષ્ટ થતાં સંભવિત ઉમેદવારો અને તેમના સમર્થકો સક્રિય થયા છે.
સૌની નજર ગ્રામ પંચાયતોમાં વોર્ડવાઇઝ સભ્ય બેઠકોના રોટેશન પર
હવે સૌની નજર ગ્રામ પંચાયતોમાં વોર્ડવાઇઝ સભ્ય બેઠકોના રોટેશન પર છે. આ રોટેશન જાહેર થયા બાદ ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પોતાની બેઠકની અનામત સ્થિતિ જાણી શકશે અને ઉમેદવારીનાં સમીકરણો વધુ સ્પષ્ટ થશે. ત્યારબાદ ગામેગામ બેઠકો, સમર્થકોની ગોઠવણ અને ઉમેદવારોની પસંદગીનો દોર તેજ બનશે.
બોક્સ...
2027ની ચૂંટણી પહેલા ગ્રામ પંચાયતોમાં કસોટી બનશે
નોંધનીય છે કે વર્ષ ૨૦૨૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેના પહેલાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક નેતૃત્વની લોકપ્રિયતા અને રાજકીય પક્ષોના સંગઠન માટે મહત્ત્વની કસોટી બની શકે છે. જોકે ગ્રામ પંચાયતની ચૂંટણી પક્ષીય ધોરણે યોજાતી નથી, તેમ છતાં પક્ષ સમર્થિત આગેવાનોની સક્રિયતા રાજકીય સમીકરણોને અસર કરશે. હાલ નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે, જોકે સત્તાવાર જાહેરાત બાદ જ મતદાન સહિતની તારીખો સ્પષ્ટ થશે.