સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં રૂ.800 પ્રતિ કિલોના ભજીયા અને ચંદની પડવાની ભજીયા પાર્ટીને લઈને થયેલો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ફરી ભજીયા ચર્ચામાં આવ્યા છે. જોકે, આ વખતે વિવાદનું કારણ ભજીયાનો ભાવ કે પાર્ટીનો ખર્ચ નહીં, પરંતુ પુણા વિસ્તારના રહીશોનો મચ્છર અને ખાડીની ગંદકી સામેનો વિરોધ છે. વરાછા ઝોનના પુણા વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવ અને ખાડીના ગંદા પાણીથી પરેશાન સ્થાનિક મહિલાઓએ મેયર અને પાલિકાના અધિકારીઓને અનોખું આમંત્રણ આપ્યું છે. મહિલાઓએ તેમને પોતાના ઘરે ભજીયા ખાવા અને એક અઠવાડિયા સુધી રોકાવા પડકાર ફેંક્યો છે.
પુણા વિસ્તારમાં આવેલી ખાડી અને તેની આસપાસની સહયોગ, સમ્રાટ સોસાયટી તથા ગૌતમ પાર્કના રહીશો લાંબા સમયથી ગંદકી અને મચ્છરોના ત્રાસનો સામનો કરી રહ્યા છે. રહીશોનો આક્ષેપ છે કે ખાડીની નિયમિત સફાઈ થતી નથી અને ગંદા પાણીના નિકાલ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. તેના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં સ્થાનિકોમાં પાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સહયોગ સોસાયટીની એક મહિલાએ મેયર અને પાલિકાના અધિકારીઓને સંબોધીને કહ્યું હતું કે તેઓ એકવાર સોસાયટીમાં આવે અને મચ્છર તથા ગંદકીનો ત્રાસ જાતે અનુભવે. મહિલાએ જણાવ્યું હતું કે, "હું તમને ભાવભર્યું આમંત્રણ આપું છું કે એકવાર અમારી સોસાયટીમાં આવો. મારા હાથે બનાવેલા ભજીયા ખવડાવીશ અને મારા ઘરે રોકાવાની પણ વ્યવસ્થા કરીશ. એક અઠવાડિયા સુધી તમારો તમામ ખર્ચ હું આપીશ. જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી રહેજો. જો અહીં રહીને મચ્છરના ત્રાસથી બીમાર પડશો તો તમારે ખાડીના નિકાલનો રસ્તો શોધવો પડશે. જો એક અઠવાડિયા સુધી બીમાર નહીં પડો તો હું બે હાથ જોડીને માફી માગી લઈશ. પરંતુ એકવાર આવીને અમારી પીડા જુઓ."
અન્ય એક મહિલાએ પણ પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મેયર અને અધિકારીઓ સોસાયટીમાં આવે તો તેમના માટે ભજીયા પાર્ટીનું આયોજન કરવામાં આવશે અને તેનો ખર્ચ પણ રહીશો ઉઠાવશે. તેમણે પડકાર ફેંક્યો હતો કે અધિકારીઓ ઓછામાં ઓછા પાંચ દિવસ અહીં રોકાય તો જ સ્થાનિકોની વાસ્તવિક સમસ્યાઓનો ખ્યાલ આવશે.
મહિલાના જણાવ્યા મુજબ, છેલ્લા 30 વર્ષથી ખાડીના પાણીના નિકાલ અને ખાડી પૂરવાના વાયદા કરવામાં આવે છે. ખાસ કરીને ચૂંટણીના સમયે આ મુદ્દે આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ સમસ્યા યથાવત્ રહે છે. વર્ષો વીતી જવા છતાં ખાડીના નિકાલ માટે કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.
રહીશોનું કહેવું છે કે મચ્છરોના ઉપદ્રવને કારણે બાળકો અને વૃદ્ધો સહિત સમગ્ર પરિવારના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. મચ્છરજન્ય બીમારીઓને કારણે સારવાર અને દવાઓ પાછળ ખર્ચ કરવો પડે છે. ડેન્ગ્યુ સહિતના રોગોનો ભય પણ સતત સતાવે છે. સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે પાલિકા દ્વારા માત્ર ધુમાડા કરવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ સમસ્યાના મૂળ સુધી પહોંચીને તેનો ઉકેલ લાવવાના પ્રયાસ થતા નથી.
રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન મત માગવા આવતા નેતાઓ બાદમાં તેમની સમસ્યાઓ જાણવા પણ આવતા નથી. નિયમિત રીતે મિલકતવેરો અને અન્ય વેરા ભરવા છતાં પ્રાથમિક સમસ્યાઓનો ઉકેલ મળતો ન હોવાથી લોકોમાં નારાજગી વધી રહી છે. હવે રહીશોએ ખાડીની સફાઈ, ગંદા પાણીના યોગ્ય નિકાલ અને મચ્છરોના નિયંત્રણ માટે કાયમી વ્યવસ્થા કરવાની માગ કરી છે. આમ, સામાન્ય સભામાં રૂ.800ના ભજીયાને લઈને થયેલો વિવાદ ફરી એકવાર ભજીયાના નામે ચર્ચામાં આવ્યો છે. જોકે, આ વખતે પુણાની મહિલાઓનો ભજીયા પાર્ટીનો પ્રસ્તાવ મનોરંજન માટે નહીં, પરંતુ વર્ષોથી વણઉકેલાયેલી સ્થાનિક સમસ્યા તરફ પાલિકાનું ધ્યાન દોરવા માટેનો વિરોધ છે.