વડોદરા, તા. 18
વડોદરા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર દરજીપુરા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરત તરફ જઈ રહેલી મહિન્દ્રા બોલેરો પિકઅપના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન ડિવાઇડર કૂદીને સામેથી આવી રહેલી આઈસર ગાડી સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો પિકઅપના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે આઈસરચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી.
પોર સ્થિત જલારામ સોસાયટીમાં રહેતા રાજેશકુમાર નારાયણભાઈ રાવ (ઉં.વ. 35) ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગત સાંજે આઈસર ગાડીમાં નાઇટ્રોજન ગેસના બોટલો ભરીને હાલોલની એલેમ્બિક કંપની ખાતે ખાલી કરવા ગયા હતા. કંપનીમાં બોટલો ખાલી કર્યા બાદ ખાલી બોટલો આઈસરમાં ભરીને તેઓ પોર તરફ પરત ફરી રહ્યા હતા.
દરમિયાન ગોલ્ડન ચોકડી થઈને નેશનલ હાઈવે નંબર 48 પરથી સુરત તરફ જતા હતા ત્યારે દરજીપુરા બ્રિજ પર સામેથી પૂરઝડપે આવતી મહિન્દ્રા બોલેરો પિકઅપના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી ડિવાઇડર કૂદાવી દીધું હતું. ડિવાઇડર પાર કરીને બોલેરો સીધી જ રાજેશકુમારની આઈસર ગાડીના આગળના ભાગમાં ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માતની ગંભીરતાને પગલે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલી એમ્બ્યુલન્સના તબીબે તપાસ કરતાં બોલેરો ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાહેર કર્યું હતું. બીજી તરફ આઈસરચાલક રાજેશકુમારને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલના સર્જિકલ આઈ.સી.યુ.માં તબીબી તપાસ દરમિયાન રાજેશકુમારના જમણા પગ અને જમણા ખભામાં ફ્રેક્ચર ઉપરાંત પેટ તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત આઈસરચાલકે બોલેરો પિકઅપના મૃત ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હરણી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.