સાપુતારા : આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ (સેવાધામ) દ્વારા ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી ‘ડાંગ પ્રેરણાવૃત્તિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડાંગ જિલ્લાના કુલ ૩૧૧ ગામોમાંથી ૨૧૦ ગામોમાં ૧૧ મંગલવૃત્તિઓના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ ૫૦ બોરીબંધ અને પથ્થરપાળા તૈયાર કરવામાં આવેલ છે સાથે જ ગ્રામવિકાસ, આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, દેશી બિયારણ અને પ્રાકૃતિક વારસાના જતન માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત ગામોમાં પરંપરાગત જળસંચય પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા બોરીબંધ અને પથ્થરપાડા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આવી કામગીરી દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળસ્તરમાં વધારો તથા કુદરતી જળસ્રોતોના સંરક્ષણ અંગે લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ કામગીરીમાં સ્થાનિક લોકોની ભાગીદારી અને શ્રમદાનથી આ પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેમાં ગ્રામજનોને સાથે રાખીને ગામના કુદરતી સંસાધનોનું સંરક્ષણ થાય અને આવનારી પેઢી માટે પ્રાકૃતિક વારસો જળવાઈ રહે તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ‘ડાંગ પ્રેરણાવૃત્તિ’ માત્ર ગ્રામવિકાસનો કાર્યક્રમ ન બની રહેતા ડાંગની આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, પ્રકૃતિ અને સામૂહિક સહભાગિતાને મજબૂત બનાવવાનું એક પ્રેરણાદાયી અભિયાન બની રહ્યું છે.