બારડોલી: બારડોલી તાલુકામાં યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે સરપંચની બેઠકોનું અનામત રોટેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. સુરત કલેક્ટર તેજસ પરમાર દ્વારા તા.૨૩/૧૧/૨૦૨૬ના રોજ આ અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જોકે, આ રોટેશન જાહેર થતાની સાથે જ તાલુકાના ગ્રામ્ય રાજકારણમાં ભારે ગરમાવો અને અસંતોષ જોવા મળી રહ્યો છે. કેટલીક ગ્રામ પંચાયતોના રોટેશનમાં તો કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હોવાનું જણાઈ રહ્યું છે. કલેક્ટર કચેરી દ્વારા જાહેર કરાયેલા પત્રક મુજબ બારડોલી તાલુકાની કુલ ૭૬ ગ્રા.પં.માંથી બાબેન સિવાયની તમામ ૭૫ ગ્રામ પંચાયતની સરપંચની બેઠક અનુસૂચિત આદિજાતિ (ST) માટે અનામત જાહેર કરવામાં આવી છે, જેમાંથી ૩૮ બેઠક આદિજાતિ મહિલા માટે અનામત રાખવામાં આવી છે. તાલુકામાં માત્ર એક જ ગ્રામ પંચાયત ‘બાબેન’ને સામાન્ય (બિન અનામત) બેઠક તરીકે જાહેર કરવામાં આવી છે.
બાબેન ગ્રા.પં.ને વારંવાર સામાન્ય બેઠક તરીકે જાળવી રાખવા પાછળ સ્થાનિક સ્તરે રાજકીય ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, માજી જિલ્લા પંચાયત પ્રમુખ અને માજી સરપંચ ભાવેશભાઈ પટેલની રાજકીય કારકિર્દીને બચાવવા માટે જ બાબેનની બેઠકને ફરીથી સામાન્ય જાહેર કરવામાં આવી છે.
બાબેન ગ્રામ પંચાયતને ફરી એક વખત સામાન્ય બેઠક જાહેર કરવામાં આવતાં તાલુકાની અન્ય ગ્રામ પંચાયતોના લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ઉલ્લેખનીય છે કે, બાબેનમાં છેલ્લી ત્રણ ટર્મથી સતત બે વખત સામાન્ય અને એક વખત સામાન્ય મહિલા બેઠક જાહેર કરવામાં આવી હતી. આમ છતાં, ફરી બાબેનને જ સામાન્ય બેઠક ફાળવવામાં આવતાં રોટેશન સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
OBC અને SC વર્ગની એકપણ બેઠક નહીં, વાંધા રજૂ થવાની શક્યતા
આ જાહેરનામામાં OBC/બક્ષીપંચ અને અનુસૂચિત જાતિ (SC) માટે એક પણ બેઠક અનામત ફાળવવામાં આવી નથી. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ બંને કેટેગરીની સતત બાદબાકી કરવામાં આવી રહી હોવાથી બક્ષીપંચ અને અનુસૂચિત જાતિના લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે આગામી દિવસોમાં તંત્ર સમક્ષ સત્તાવાર વિરોધ રજૂ થાય તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
બારડોલીમાં બેઠકોના અનામત રોટેશનની સંપૂર્ણ યાદી
૧. સામાન્ય બેઠક (બિન અનામત) – કુલ ૧ બેઠક
બાબેન
૨. અનુસૂચિત આદિજાતિ (ST) મહિલા અનામત – કુલ ૩૮ બેઠક
વધાવા, જરીમોરા, પારડી વાલોડ, જૂની કીકવાડ, વાંસકુઇ, કાંટી ફળિયા, ભેંસુદલા, બાલ્દા, નાની ભટલાવ, વાઘેચ કુવાડિયા ગ્રુપ રજવાડ, પથરાડીયા, ગોજી, ભુવાસણ ઝાંખરડા ગ્રુપ, વાઘેચા કડોદ, તરભોણ, પારડીવાઘા નોગામા ગ્રુપ, ઉતારા, નિણત ઉમરાખ, સેજવાડ, નાંદિડા, રાયમ, નવી કીકવાડ, માણેકપોર, ટીમ્બરવા, ઉવા રામપુરા, સરભોણ, ખરવાસા, સુરાલી, ધામડોદ લુંભા, તેન, મઢી, મોતા, કણાઇ, બમરોલી, મસાડ
૩. અનુસૂચિત આદિજાતિ (ST) સામાન્ય–કુલ ૩૭ બેઠક
તાજપોર બુજરંગ, કરચકા પીપરયા ગ્રુપ, અકોટી, પલસોદ, ભામૈયા, વઢવાણી સીંગોદ, જૂનવાણી, સાંકરી, રૂવા ભરમપોર ગ્રુપ, નસુરા, બામણી, ઉછરેલ, સમથાણ, ઓરગામ, હરિપુરા હિંડોલીયા, ખોજ, આફવા ખલી ગોતાસા ગ્રુપ, રાજપુરા લુંભા, વરાડ પણદા ગ્રુપ, કંટાળી, પારડી કડોદ, ખરડ છીત્રા ગ્રુપ, ઇસરોલી, વાંકનેર, વડોલી અંચેલી ગ્રુપ, માંગરોલીયા, મોવાછી, બાબલા, મોટી ફળોદ, નિઝર, અલ્લુ, અસ્તાન, ઇશનપોર, કડોદ મીંયાવાડી ગ્રુપ, મોટી ભટલાવ