વાપી : વાપી છરવાડામાં રહેતા યુવકને નાણાની જરૂરિયાત ઉભી થતા પારડીમાં રહેતા ઓળખીતા ઈસમ પાસે ગયો હતો અને રૂ.1.80 લાખ લીધા હતા અને તે ઈસમ દ્વારા નક્કી કરેલ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે નાંણા ઓનલાઈન અને રોકડ મળી કુલ રૂ.2.84 લાખ ચૂકવ્યા હતાં. તેમ છતાં રૂ.1 લાખ વ્યાજ મુદ્દલ માટે પઠાણી ઉઘરાણી અને ચેક બાઉન્સ કરી કેસ કરવાની ધમકી ઉચ્ચારનાર પારડીના ઈસમ સામે વાપી ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વાપી છરવાડા ખોડિયાર નગરમાં પ્રદિપ કિશનભાઈ ચૌધરી (ઉં.34) રહે છે. પૈસાની જરૂરિયાત ઉભી થતા તેણે વર્ષ 2025 માં તેઓના ઓળખીતા પારડી દોલતનગરમાં રહેતા મોઈનમીયા શેખ (ઉં.48) પાસે રૂ.1 લાખની માગણી કરી હતી. મોઈન શેખે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે માસિક રૂ.8,500 લેખે 23 હપ્તા કરી કુલ રૂ.1,95,000 આપવા પડશેનું જણાવ્યું હતું. ત્યારબાદ રૂ.1 લાખ પ્રદિપના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતાં. સમય વીતતા પ્રદિપ દ્વારા નક્કી કરેલ રકમ દર મહિને આપતા અને કુલ 13 હપ્તા ચૂકવ્યા હતાં. જે બાદ વધુ રૂપિયાની જરૂર પડતા પ્રદિપે ફરીથી મોઈન પાસેથી રૂ.1 લાખ માંગ્યા હતા અને તે સમયે મોઈને રોકડા 12,500 અને રૂ.67,500 રકમ બેંક ખાતામાં નાંખ્યા હતાં. મોઈને સિકયુરીટી પેટે બેંકના કોરા ચેક પ્રદિપ પાસેથી લીધેલા હતાં. જે બાદ નક્કી કરેલ વ્યાજની રકમ ચૂકવતા હતાં. પ્રદિપે કુલ રૂ.1,80,000 લીધેલા હતા અને તે વ્યાજ સહિત ઓનલાઈન અને રોકડા મળી કુલ રૂા.2,84,000 મોઈનને ચૂકવી દીધા હતાં. તેમ છતાં મોઈન દ્વારા રૂ.1 લાખ વ્યાજ મુદ્દલના નાણાની પઠાણી ઉઘરાણી કરવાનું ચાલુ રાખી હતી અને ચેક બાઉન્સ કરી કેસ કરવાની ધમકી ઉચ્ચારી હતી.