Vadodara

તરસાલીનો પરિવાર મહારાષ્ટ્ર ગયો અને તસ્કરો ત્રાટક્યા : રૂ.9.90 લાખની ચોરી

દરવાજાના તાળા તૂટેલા જોઈ પાડોશી એ મકાન માલિકને જાણ કરી
વડોદરા, તા.25

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમા મનોકામના સોસાયટીમાં પરિવાર સામાજિક પ્રસંગે મહારાષ્ટ્ર ગયો હોય તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.9.90 લાખની ચોરી કરી ફરાર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ પડોશીએ ઘરનાં બારણા ખુલ્લાં હાલતમાં જોતા પરિવારને કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

તરસાલી વિસ્તારમાં આવેલી મનોકામના સોસાયટીમાં દિનેશભાઈ પરશુરામ સિરસાટ (ઉ.વ.59) પરિવાર સાથે રહે છે અને સુસેન ચાર રસ્તા પાસે આવેલી ખાનગી કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેઓ તા.23 મેના રોજ પરિવાર સાથે મહારાષ્ટ્રના શિડપુર ખાતે સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા.

આ દરમિયાન તા.25 મેની વહેલી સવારે તેમના પડોશીએ દિનેશભાઈના પુત્ર આકાશને ફોન કરી ઘરના ઉપર અને નીચેના બારણા ખુલ્લાં હોવાનું જણાવ્યું હતું. જાણ થતા પરિવાર તાત્કાલિક વડોદરા પરત ફર્યો હતો. ઘરે પહોંચતા ગ્રાઉન્ડ ફ્લોર તેમજ પહેલા માળના દરવાજા અને લોખંડની જાળીનાં તાળા તૂટેલા હાલતમાં જોવા મળ્યા હતા.

ઘરમાં પ્રવેશતા કબાટ અને તિજોરીનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. તપાસ કરતા તિજોરીમાંથી આશરે 170 ગ્રામ સોનાના દાગીના, 800 ગ્રામ જેટલા ચાંદીના દાગીના તેમજ રૂ.2 લાખની રોકડ રકમ મળી કુલ રૂ.9.90 લાખની મતા ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. ચોરી થયેલા સામાનમાં રાણીહાર, મંગળસૂત્ર, વીંટીઓ, સોનાના બિસ્કિટ, કાનની બુટ્ટી, ચાંદીના પાયલ અને બેલા સહિતના કિંમતી દાગીનાનો સમાવેશ થાય છે. બનાવ અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top