મુંબઈમાં આજે ગુરુવારે એક ચોંકાવનારી ઘટના બની. અહીંના એક સ્ટુડિયોમાં 15થી 20 જેટલાં બાળકોને ધોળા દિવસે બંધક બનાવવામાં આવ્યા હતા. આ ઘટના આરએ સ્ટુડિયોમાં બની હતી. અહીં પહેલા માળે એક્ટિંગના ક્લાસીસ ચાલે છે.
એવું જાણવા મળ્યું હતું કે આજે સવારે લગભગ 100 બાળકો અહીં એક્ટિંગના ઓડિશન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન સ્ટુડિયોમાં કામ કરતા રોહિત નામના યુટ્યુબરે 15 થી 20 બાળકોને સ્ટુડિયોની અંદર બંધ કરી દીધા હતા.
અહેવાલો અનુસાર, રોહિત છેલ્લા ચાર-પાંચ દિવસથી અહીં ઓડિશન લઈ રહ્યો હતો. આજે રોહિતે 100 બાળકોને બોલાવ્યા હતા. બાદમાં તેણે 80 બાળકોને જવા દીધા હતા પરંતુ બાકીના 20 જેટલાં બાળકોને સ્ટુડિયોની અંદર જ પુરી રાખ્યા હતા. જ્યારે બાળકો બારીઓમાંથી બહાર ડોકિયું કરતા જોવા મળ્યા ત્યારે બહાર રોડ પરથી પસાર થતા લોકો અને સ્થાનિકો ગભરાઈ ગયા હતા અને તરત જ પોલીસને જાણ કરી હતી.
માહિતી મળતાં, પોલીસની એક મોટી ટુકડી ઘટનાસ્થળે પહોંચી અને સ્ટુડિયોને ઘેરી લીધો. આસપાસના વિસ્તારને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓની ઓળખ, હેતુઓ અને માંગણીઓ નક્કી કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. અધિકારીઓએ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે વ્યૂહરચના બનાવી. જેથી કોઈને નુકસાન ન થાય.
પોલીસે બાદમાં રોહિતને પકડી લીધો અને બાળકોને સુરક્ષિત રીતે બચાવ્યા. બાળકોની સલામતી સુનિશ્ચિત કર્યા પછી પોલીસે રાહતનો શ્વાસ લીધો. આ ઘટનાથી શહેરમાં લોકો ચિંતિત થઈ ગયા હતા. હાલ પોલીસ આરોપી રોહિતની પૂછપરછ કરી રહી છે.