નવી દિલ્હીઃ અમેરિકાના દિગ્ગજ બોક્સર માઈક ટાયસન લગભગ 20 વર્ષ બાદ પ્રોફેશનલ બોક્સિંગમાં પરત ફર્યા છે. જો કે, ટાયસનની વાપસી યાદગાર રહી ન હતી. જેક પોલ સામેની શાનદાર મેચમાં તેને 74-78થી હારનો સામનો કરવો પડ્યો હતો. સર્વસંમતિથી જેકને વિજેતા જાહેર કર્યો. ટાયસન પહેલાં બે રાઉન્ડમાં આગળ હતો પરંતુ બાકીના છ રાઉન્ડમાં તે પાછળ રહી ગયો હતો. જેક અને ટાયસન વચ્ચે ઉંમરમાં 30 વર્ષનો તફાવત છે. 58 વર્ષનો હોવા છતાં ટાયસને અંત સુધી હાર માની ન હતી.
જો જોવામાં આવે તો માઈક ટાયસનની પ્રોફેશનલ બોક્સિંગ કારકિર્દીમાં આ સાતમી હાર હતી. આ પહેલા ટાયસને તેની છેલ્લી પ્રોફેશનલ મેચ વર્ષ 2005માં કેવિન મેકબ્રાઈડ સામે રમી હતી, જેમાં તે પણ હારી ગયો હતો. ટાયસન અને જેક પોલ વચ્ચેની મેચ 16 નવેમ્બર (શનિવાર)ના રોજ આર્લિંગ્ટન (યુએસએ)ના AT&T સ્ટેડિયમમાં હતી.
બંને વચ્ચે જોરદાર ફાઈટ થઈ
માઈક ટાયસન અને જેક પોલ વચ્ચેની આ હેવીવેઈટ મેચ આઠ રાઉન્ડની હતી. માઈક ટાયસને પ્રથમ રાઉન્ડ 10-9થી જીત્યો હતો. બીજા રાઉન્ડમાં પણ તેણે 10-9થી જીત મેળવી હતી. જેક પોલે ત્રીજા રાઉન્ડમાં પુનરાગમન કર્યું અને કેટલાક જોરદાર મુક્કા માર્યા. જેક પોલે ત્રીજા રાઉન્ડમાં 10-9થી જીત મેળવી હતી. ત્યાર બાદ ચોથો રાઉન્ડ પણ પોલના પક્ષમાં 10-9થી રહ્યો હતો. ચોથા રાઉન્ડ બાદ સ્કોર બરોબર (38-38) હતો.
પાંચમા રાઉન્ડમાં માઈક ટાયસનને પોલને ઓવરહેન્ડ પંચ માર્યો હતો. જેના લીધે ટાયસનની લય તુટી ગઈ હતી. જેક પોલે પાંચમો રાઉન્ડ જીતીને મેચમાં લીડ મેળવી હતી. ત્યાર બાદ પોલે છઠ્ઠાં, સાતમા અને આઠમા રાઉન્ડમાં પણ જીત મેળવી હતી. માઈક ટાયસનને આ મેચમાંથી 20 મિલિયન ડોલર (લગભગ 169 કરોડ રૂપિયા) મળ્યા. જ્યારે તેના હરીફ જેક પોલને 40 મિલિયન ડોલર (લગભગ 338 કરોડ રૂપિયા) મળ્યા છે.
માઈક ટાયસન 50 મેચ જીતી ચૂક્યો છે
આ મેચ પહેલા માઈક ટાયસને પ્રોફેશનલ બોક્સર તરીકે 50 મેચ જીતી હતી. જ્યારે તેઓ માત્ર છ હાર્યા હતા. વર્ષ 1987માં ટાયસને સૌથી યુવા હેવીવેઈટ ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ત્યારે તેની ઉંમર માત્ર 20 વર્ષની હતી. ખાસ વાત એ હતી કે ટાયસને નોકઆઉટ દ્વારા 44 મેચ જીતી હતી. જ્યારે 27 વર્ષનો જેક પોલ યુટ્યુબરમાંથી પ્રોફેશનલ બોક્સર બન્યો છે. તેણે વર્ષ 2020માં પ્રોફેશનલ બોક્સિંગની શરૂઆત કરી હતી. પોલે આ મેચ સહિત 12માંથી 11 મેચ જીતી છે.
ટાયસનનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો
માઈકલ ગેરાર્ડ ટાયસનનો જન્મ 30 જૂન, 1966ના રોજ બ્રુકલિન, ન્યૂયોર્કમાં થયો હતો. માઈક ટાયસન બાળપણથી જ ખૂબ જ તોફાની સ્વભાવનો હતો. કેટલાક લોકો ટાયસનના બોલવાના કારણે તેની મજાક ઉડાવતા હતા અને ટાયસન આવા લોકો સાથે મારપીટ પણ કરતા હતા.
માઈક ટાયસનની તોફાનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 13 વર્ષની ઉંમર સુધીમાં તેની 38 વખત ધરપકડ કરવામાં આવી હતી. માઈક ટાયસન 1981 અને 1982ની જુનિયર ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. ત્યાર બાદ 1984માં ટાયસને ન્યુયોર્કમાં આયોજિત નેશન ગોલ્ડન ગ્લોવ્સમાં જોનાથન લિટાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ધીમે ધીમે માઈક ટાયસને બોક્સિંગમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનું શરૂ કર્યું. ટાયસને 1985માં માત્ર 18 વર્ષની ઉંમરે પ્રોફેશનલ બોક્સિંગની શરૂઆત કરી હતી.