ગાંધીનગર(GandhiNagar): રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે મોટો બદલાવની જાહેરાત કરી છે. આજે તા. 22 ડિસેમ્બરના રોજ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શાળાઓમાં ભગવદ્ ગીતાના (BhagwadGita) પાઠ ભણાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. ગીતા જ્યંતિ નિમિત્તે શિક્ષણ મંત્રીએ મોટી જાહેરાત કરી છે. શાળાઓમાં ધો. 6થી 12ના વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવાશે.
આધ્યાત્મ અને જીવનદર્શનનો મહાન ગ્રંથ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા. કહેવાય છે કે શ્રી ગીતાજીરૂપી ગંગાજળ પીવાથી જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે. યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલી પાવન વાણીએ જ્ઞાન, ભક્તિ અને કર્મ થકી પરમતત્વની પ્રાપ્તિનો માર્ગ સુલભ બનાવ્યો છે, ધર્મ અને… pic.twitter.com/VJmOfwsA7s
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 22, 2023
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે, જેમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરાયો છે. 2024ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્દ ગીતાના પાઠનો સમાવેશ કરાશે. ગીતા જ્યંતિ નિમિત્તે શિક્ષણ વિભાગે એક પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ સાથે ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે.
ધો.11માં પણ પ્રાકૃતિક ખેતી વિષય ભણાવાશે
આ ઉપરાંત શિક્ષણ મંત્રીએ પ્રાકૃતિક ખેતીના વિષય અંગે પણ મોટી જાહેરાત કરી હતી. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ધો. 9 અને 10માં સામાજિક વિજ્ઞાનના વિષયના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતી વિષયના પાઠનો સમાવેશ કરાયો છે. હવે ધો. 11માં પણ આ પ્રકરણનો ઉમેરો કરાયો છે.
રાજ્યના શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અને જૈવિક કૃષિ બંને ખેતીના અલગ પ્રકાર છે. પ્રાકૃતિક ખેતી એ ગાય આધારિત કૃષિ છે, જેમાં ભારતીય ઓલાદની દેશી ગાયના ગૌમૂત્ર, ગોબર ધન થકી જીવામૃત, ધનામૃત તૈયાર કરીને તેનો ઉપયોગ કરીને ઝીરો ખર્ચે ઉત્પાદન મેળવવામાં આવે છે, પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓના ઉપયોગ વિના માત્ર ગાય આધારિત ખેતી કરવામાં આવે છે, જેમાં ઓછા ખર્ચે અનેક ફાયદા છે.