Charchapatra

કાયદાનું શાષન, નિયમોનું પાલન છે ક્યાં?

ચૂંટણીપંચ ચૂંટણીના નિયમોનું પાલન ન કરવા બદલ ઉમેદવાર ને નોટિસ ફટકારે છે પણ પરિણામ શૂન્ય.ગણેશ ઉત્સવમાં મર્યાદાથી વધુ ઊંચી મૂર્તિ ભક્તો લાવે પોલીસ કેસ થાય પરિણામ શૂન્ય. રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ન ફોડવા પણ ફોડે, સ્પીકર ન વગાડવુ પણ રાતે 2 વાગ્યા સુધી પણ વાગે,કાયદાકીય પરિણામ શૂન્ય. કુદરતી હોનારતમાં કે સરકારી જગ્યામાં આમ પ્રજા નું મૃત્યુ થાય,લાખો રૂપિયા આપવાનું સરકારી એલાન થાય,પૈસા મળવાનું પરિણામ શૂન્ય.

ટામેટા પચાસ રૂપિયે કિલો અને ટામેટાના સોસનો પાંચ કિલોનો કેરબો 50 રૂ. માં મળે, પચાસ રોગને આમંત્રણ આપતો પાઉં-વડા સાથે અનલિમિટેડ આ કલર અને કેમિકલ્સ યુકત સોસ રોજ ના પચાસ લાખથી વધુ લોકો ખાઈ જાય, બીમારી ને ખુલ્લું આમંત્રણ, પરિણામ શૂન્ય.ગજવામાંથી મોબાઈલ ગાયબ થાય છે એ રીતે ગુજરાત માંથી હજારોની સંખ્યામાં બાળકો અને મહિલાઓ ગૂમ થાય છે, “જેની ગોદડી જાય, એને ટાઢ વાય…!”, બાકી પરિણામ શૂન્ય. સરકારીહોસ્પિટલમાં ડોકટરની લાપરવાહી કે દવાની અછત ને લીધે દર્દીનું મૃત્યુ થાય,હો-હા થાય, પરિણામ શૂન્ય સરકારી તંત્રમાં મોટા-મોટા ભ્રષ્ટાચાર થાય, તપાસ કમિટી ની રચના કરવામાં આવે, પરિણામ શૂન્ય.જે દેશની “કેશ” ની કોઈ ઈજ્જત નથી એ દેશનાં ઝુંડ માં ચાલવા વાળા લોકો “કેશ લેશ” અર્થતંત્ર ચલાવવા નીકળે છે પરંતુ આવા લોકો સાથે દર કલાકે થતા સાત “સાયબર ફ્રોડ” ના ફોડ નું પરિણામ શૂન્ય. ખેડૂતો ને પાક ના નુકશાન પેટે સહાય જાહેર કરવામાં આવે?

પરિણામ શૂન્ય. નશાકારક સીરપ મેડિકલ સ્ટોરમાં થી મળે, જે પીવાથી કેટલાય મૃત્યુ થાય,નાના બાળકો ની જિંદગી બગડે, મળેલ સીરપ ની બાટલીઓ સીલ થાય,દુકાનદાર પર કેસ થાય, દુકાન બે-ચાર દિવસ માટે બંધ થાય,ઉત્પાદન ચાલુ જ રહે તો વેચાણ કેમ બંધ રહે?પરિણામ શૂન્ય. આ દેશના નેતાઓ પાસે જાતિ, ભાષા, કોમ,ધર્મ, ભ્રષ્ટાચાર, અંધશ્રદ્ધા, આડંબર અને દલાલી એ ઉન્નતિ ની ચાવી છે,દુશ્મન નેતા સત્તા માટે દોસ્ત બની હાથ મિલાવે છે, જ્યારે મૂર્ખ પ્રજા મોદી જેવા નેતાઓ માટે એકબીજાના દુશ્મન બની હાથ કાપે છે,ન્યાય માટે લડતા-લડતા જિંદગી સાથે અન્યાય થઈ જાય છે,સત્યમાં ગમે એટલું વજન હોય પણ પૈસાનાં રણકાર સામે સત્યની જીત ની ટકાવારી શૂન્ય જ આવે છે ત્યારે એ દેશનાં ભવિષ્ય નું પરિણામ શુ.???
સુરત     – કિરણ સૂર્યાવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top