Sports

વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શનની અસર: વર્લ્ડ ચેમ્પિયન ટીમના આખાય ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરાયું

નવી દિલ્હી: વન ડે વર્લ્ડ કપમાં મજબૂત ટીમોના ખરાબ પ્રદર્શને સૌ કોઈને ચોંકાવ્યા છે. વર્ષ 2019ના વર્લ્ડ કપને જીતનાર ઈંગ્લેન્ડ અને 1996માં વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકાની ટીમ ટેબલ પોઈન્ટમાં તળિયે છે. આ બંને મજબૂત ટીમોએ સેમિફાઈનલમાં પ્રવેશની આશા પણ ગુમાવી દીધી છે. વર્લ્ડ ચેમ્પિયન ટીમના ખરાબ પ્રદર્શનને પગલે તેમના દેશમાં નારાજગી વ્યાપી ગઈ છે.

આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023માં (ICCODIWorldCup2023) શ્રીલંકાના (Srilanka) ખરાબ પ્રદર્શનની અસર દેખાવા લાગી છે. શ્રીલંકાની સરકારે સમગ્ર ક્રિકેટ બોર્ડને (SrilankaCricketBoard) બરતરફ (Suspend) કરી દીધું છે. શ્રીલંકાના રમત મંત્રાલયે સોમવારે આ માહિતી જાહેર કરી છે.

શ્રીલંકાએ વર્લ્ડ કપમાં અત્યાર સુધી રમાયેલી 7 મેચમાંથી માત્ર 2 જ મેચ જીતી છે. ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. ભારતે છેલ્લી મેચમાં શ્રીલંકાને 302 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ત્યારથી શ્રીલંકામાં હોબાળો મચી ગયો હતો અને રમત મંત્રાલયે આ અંગે પસંદગીકારો સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આ અગાઉ શ્રીલંકાના રમત મંત્રી રોશન રણસિંઘેએ શુક્રવારે એક નિવેદનમાં શ્રીલંકન ક્રિકેટ બોર્ડને “દેશદ્રોહી અને ભ્રષ્ટ” ગણાવ્યું હતું. તેમણે બોર્ડના સભ્યોના રાજીનામાની માંગણી કરી હતી. ત્યારબાદ શ્રીલંકા ક્રિકેટ સચિવ મોહન ડી સિલ્વા, બોર્ડના બીજા ક્રમના સર્વોચ્ચ અધિકારી, શનિવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. કારણ કે ક્રિકેટ ચાહકોએ ટીમની હાર પર તેમની ઓફિસની બહાર પ્રદર્શન કર્યું હતું.

રમતગમત મંત્રીના કાર્યાલયમાંથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંત્રીએ સોમવારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડના બાકીના સભ્યોને બરતરફ કરી દીધા હતા અને તેમની જગ્યાએ વર્લ્ડ કપ વિજેતા ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાની અધ્યક્ષતાવાળી વચગાળાની સમિતિની રચના કરી હતી. રણતુંગાની સાથે સુપ્રિમ કોર્ટના બે નિવૃત્ત જસ્ટિસનો પણ 7 સભ્યોની સમિતિમાં સમાવેશ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે હાલમાં શ્રીલંકા વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાને છે અને સોમવારે દિલ્હીમાં તેનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ જીતીને શ્રીલંકા 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થવા માંગશે.

Most Popular

To Top