SURAT

લોકોના ઘરમાં તલવાર લઈ લૂંટ કરવા ઘૂસતાં 3 ટપોરીનું સુરત પોલીસે સરઘસ કાઢ્યું

સુરત: સુરતમાં (Surat) માથાભારે તત્ત્વો માથું ઊંચું કરે એ સાથે જ પોલીસ (Police) કાયદાનો ડર ઊભો કરવામાં સફળ રહી છે. પાંડેસરા પીઆઇ કામલિયા દ્વારા લોકોના ઘરમાં તલવાર (Sword) લઈને ઘૂસીને લૂંટ (Robbery) કરતા હત્યા અને ધાડના આરોપીની ધરપકડ (Arrest) કરીને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. તેમાં અવધેશ સહાની અને અણજીત કાલિયા તથા વિકાસ ઉર્ફે ટેટુ નામના 3 ઇસમની ધરપકડ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.

આ લોકોને સરેઆમ ડંડાવાળી કરીને ભાઇગીરીનો નશો પોલીસ દ્વારા ઉતારવામાં આવ્યો હતો. હાલ ચેઇન સ્નેચિંગના ગુનામાં આ લોકોની ભૂમિકા હોવાનું માલૂમ પડતાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કાયદાની મર્યાદામાં લઇ જઇ આ ટપોરીઓને લોકો સામે હાથ જોડાવ્યા હતા. અગાઉ ડિંડોલી અને લિંબાયતમાં પણ આવા ભાઇ લોકોનું જુલૂસ કાઢીને પોલીસે લુખ્ખાં તત્ત્વોની સાન ઠેકાણે લાવી હતી. આ 3 આરોપી પર હત્યા જેવા સંગીન ગુના દાખલ હોવાની વિગત પોલીસે જણાવી હતી.

લિંબાયત-ડિંડોલીમાં ઘરફોડ ચોરીમાં 14 આઇફોન, 2.34 લાખના દાગીના અને રોકડાની ચોરી
સુરત: લિંબાયતમાં ગોકુળ કોમ્પ્લેકસ સ્વીટ વોટર સર્કલ પાસે, જેઠારામ ભવરલાલ ઢાકાના ઘરમાં બીજા માળે ગત તા.10 જુલાઇના રોજ ઘરમાં ઘૂસીને કોઇ અજાણ્યો ઇસમ રૂ.1.38 લાખનો નવો આઇફોન 14 લઇ રફુચક્કર થઇ ગયો હતો. લિંબાયત પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત દેવપ્રકાશ મુન્ના લાલ લીધાધર યાદવ (રહે.,અંજની નંદન રો હાઉસ, ડિંડોલી, મૂળ ગામ-બીજોરી) દ્વારા રૂ.2.67 લાખના દાગીના તથા રોકડ રકમની ચોરીની ફરિયાદ દાખલ કરાઈ હતી. તા.13ના રોજ મધ્યરાત્રિએ ગરમી હોવાને કારણે તેમણે મકાનનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. મધ્ય રાત્રિ દરમિયાન કોઇ અજાણ્યો ઇસમ રૂ.2.19 લાખના દાગીના તથા રૂ.48600 રોકડા લઇ પલાયન થઇ ગયો હતો. ડિંડોલી પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અમરોલીમાં મહિલાની છેડતી કરી મારી નાંખવાની ધમકી
સુરત: મહિલાની છેડતી કરી તેને મારી નાંખવાની ધમકી આપ્યા બાદ પતિ પર હુમલો કરતાં અમરોલી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે રાજન કૈલાસ ચૌહાણ (રહે., અંબિકાનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમરોલી) સામે મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. તેમાં મહિલાનો હાથ પકડીને તેની છેડતી કરવામાં આવી હતી. ઉપરાંત મહિલાના પતિએ ઠપકો આપતાં રાજને તેની ઉપર પણ હુમલો કરીને મારી નાંખવાની ધમકી આપી હતી. અમરોલી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top