Sports

ઘાયલ ઋષભ પંતની જગ્યાએ આ વિદેશી ખેલાડી IPLમાં દિલ્હી કેપિટલ્સની કપ્તાની કરશે

નવી દિલ્હી: અકસ્માત બાદ ઈજાગ્રસ્ત થતા સ્ટાર ક્રિકેટર ઋષભ પંત હાલ સારવાર હેઠળ છે. આગામી IPL ની સિઝનમાં પંતના રમે તેવી કોઈ શક્યતા નથી, ત્યારે દિલ્હી કેપિટલ્સ ટીમે પંતના સ્થાને વિદેશી ખેલાડીને ટીમનું સુકાન સોંપ્યું છે.

દિલ્હી કેપિટલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરને તેમની ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. વોર્નરે ઋષભ પંતની જગ્યા લીધી છે, જે રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ ક્રિકેટથી દૂર છે. પંત આઈપીએલની સાથે કેટલીક મહત્વની ટૂર્નામેન્ટમાંથી બહાર રહેવા જઈ રહ્યો છે. આ સાથે દિલ્હી કેપિટલ્સે IPL 2023 માટે અક્ષર પટેલને વાઇસ કેપ્ટનશિપની જવાબદારી સોંપી છે.

36 વર્ષીય ડેવિડ વોર્નરનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલમાં જાણીતું નામ છે અને તે દિલ્હી કેપિટલ્સ સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે આઈપીએલમાં રમી ચૂક્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ડેવિડ વોર્નરે કેપ્ટન અને બેટ્સમેન તરીકે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તે દરેક યુવા ક્રિકેટર માટે ઉદાહરણરૂપ છે. પરંતુ SRH એ વોર્નર સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું, જે ચાહકોને પસંદ પડ્યું નહોતું.

SRHએ સિઝનની વચ્ચેથી વોર્નરને કેપ્ટનશીપ છીનવી લીધી હતી
IPL 2021ના પહેલા તબક્કામાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ વોર્નરે કેપ્ટનશિપ ગુમાવવી પડી હતી. આ પછી હૈદરાબાદ મેનેજમેન્ટે કેન વિલિયમસનને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. તે સમયે એવા અહેવાલો હતા કે ટોમ મૂડી અને ડેવિડ વોર્નર બિલકુલ સાથે નથી. મીડિયામાં SRH ટીમ મેનેજમેન્ટ તરફથી વોર્નર સાથે ખરાબ વર્તનના અહેવાલો પણ આવ્યા હતા અને પછી સિઝનના અંત પછી, બંને વચ્ચેના સંબંધોનો અંત આવ્યો હતો.

એક મેચ દરમિયાન વોર્નર સનરાઇઝર્સના ડગઆઉટથી દૂર સીડી પાસે બેઠો હતો. જે તસ્વીરોએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી હતી. વિલિયમસનને સનરાઈઝર્સ હૈદરાબાદે વોર્નરની જગ્યાએ કેપ્ટન બનાવ્યો હતો, પરંતુ તે પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને 2021 અને 2022ની સીઝનમાં સનરાઈઝર્સ કફોડી સ્થિતિમાં મુકાયું હતું.

Most Popular

To Top