ગુજરાત: ગુજરાતમાં (Gujarat) બે તબકકે થવા જઈ રહેલી ચૂંટણીમાં (Election) તમામ પક્ષો વચ્ચે રસાકસીનો માહોલ જામ્યો છે. તમામ પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંઘાવા માટેની કામગીરી શરૂ કરી છે. જો કે આજે ઉમેદવારી નોંધાવા માટેનો આજે છેલ્લો દિવસ છે. આ સમયે સમાચાર મળી આવ્યા છે કે ભાજપે (BJP) વાઘોડિયા બેઠક પર છેલ્લી છ ટર્મથી ચૂંટાતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી છે જેના કારણે શ્રીવાસ્તવ રોષે ભરાયા છે. ભાજપની યાદી જાહેર થવાની સાથે મધુ શ્રીવાસ્તવે બળવો શરૂ કરી દીધો હતો. ભાજપમાં ટિકિટ ન મળવાના કારણે તેઓએ અપક્ષમાં તેઓની ટિકિટ પાકકી કરવાનો નિર્ણય લીધો છે.
બુધવારના રોજ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે સતીષ નિશાળિયા ભલે માન્યા હોય પરંતુ હું મધુ શ્રીવાસ્તવ છું, હું અપક્ષમાંથી ચૂંટણી લડીશ. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પાદરા બેઠક પરથી દિનેશ પટેલ અને વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવ આજે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. આ સાથે તેઓએ જાહેરમાં ધમકી પણ આપી છે જેના કારણે રાજકારણ ગરમાયું છે.
મળતી માહિતી મુજબ ભાજપ તરફથી તેઓને ટિકિટ ન મળતા તેઓના ગુસ્સાનો પાર રહ્યો નથી. બુધવારના રોજ ભાજપના પ્રમુખ પાટીલે વડોદરા એરપોર્ટ પર તેમને સમજવાની તેમજ તેઓને મનાવવાની કોશિશ કરી હતી. પરંતુ મધુ શ્રીવાસ્તવનો ગુસ્સો એટલો હતો કે તેઓ પાટીલની વાત માન્યા ન હતા. બંને વચ્ચે એક કલાકથી વધુ સમય બેઠક ચાલી હતી, પરંતુ પાટીલનો મધુ શ્રીવાસ્તવને મનાવવાનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો છે. મધુ શ્રીવાસ્તવે બુઘવારના પોતાનો ગુસ્સો ઠાલવતા જાહેરમાં ધમકીભરી ચેતવણી આપી છે કે આ ચૂંટણી છેલ્લી પાયરીની હશે. જો કોઈ મારા કાર્યકરોની ફેંટ પકડશે તો હું તેને ઘરે જઈને ગોળી મારી દઈશ. મધુ શ્રીવાસ્તવના આ નિવેદનના કારણે રાજકારણ ગરમાયું છે તેમજ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.