માએરા મિશ્રાનું નામ તમે મીરા મિશ્રા કહી શકો પણ આજકાલ થોડા ફેરફાર સાથે જૂદા પડી શકાય છે એટલે મીરા નહીં માએરા જ વધારે યોગ્ય છે. અત્યારે 32 વર્ષની માએરા ઉત્તરપ્રદેશના બરેલીથી આવી છે. ‘ભાગ્યલક્ષમી’, ‘ગુડ્ડન તુમસે ના હો’, ‘બહુ બેગમ’, ‘મહારાજા કી જય હો’, ‘ઉડાન’ સિરીયલોએ તેને પ્રેક્ષકોમાં ખાસ બનાવી તે પહેલાં એમટીવીના લોકપ્રિય ‘સ્પ્લિટવિલા 11’ વડે ફેમસ બનેલી. તેને બચપણથી અભિનયનો શોખ હતો અને એમટીવીએ ચાન્સ આપ્યો પછી બસ અભિનય જ તેનું જીવન છે.
‘ભાગ્યલક્ષમી’ તો બાલાજી ટેલી ફિલ્સ્ની હતી જેમાં તે મલિશ્કા બેદીના પાત્રમાં હતી. માએરા તેની ટી.વી. સિરીયલોથી તો જાણીતી થઇ પણ શેખર સુમનના પુત્ર અધ્યયન સુમન સાથેના રિલેશનને કારણે અને પછી એ રિલેશન તૂટી જવાના કારણેપણ જાણીતી રહી છે. કેટલાક હિન્દી અને પંજાબી મ્યુઝિક વિડીયોમાં આવી ચુકેલી માએરા જો કે સિંબા નાગપાલને પણ ડેટ કરી ચુકી છે. ફિલ્મ અને ટી.વી. જગતમાં જે ઝાઝું ટકે તો ડેટ પ્રુફ બની જાય છે એટલે બ્રેકઅપ થાય તો તેમને ગમકી આંધી ઉડાવી જતી નથી. તે એમટીવીના શો ‘લવ ઓન ધ રન’માં નેગેટિવ ભૂમિકા કરી છે અને હમણાં ‘ઇશ્કબાજ’માં મુખ્ય ભૂમિકા કરી છે.
જો કે અધ્યયન સાથે બ્રેકઅપ વખતે તે ‘ગુડ્ડન તુમસે ના હો પાયેગા’માં કામ કરતી હતી અને સેટ પર પાંચેક વાર ચક્કર ખાઇને પડી જતાં હોસ્પિટલ દાખલ કરવી પડેલી. તે કહે છે કે કોઇ સાથે તમે જિંદગીનો ઘણો સમય વિતાવ્યો હોય તેને ભુલાવવો મુશ્કેલ હોય છે. તેમાંથી બહાર નીકળતાં સમય લાગતો હોય છે. મુંબઇમાં હો ને એકલા હો ત્યારે વધારે તકલીફ પડે. પણ કહે છે કે ફરી પ્રેમમાં પડવાથી હું ડરતી નથી. એકવાર સંબંધ બંધાયો તો બંધાયો ને છૂટી ગયો તો છૂટી ગયો. વાત એમ છે કે હું કોઇને ડેટ કરતી હોઉં ત્યારે જ મારામાંનું શ્રેષ્ઠ બહાર આવે છે. માએરા મિશ્રા જાણે છે કે અભિનય વડે જ પોતાને પ્રગટ કરી શકાય અને છૂપાવી પણ શકાય એટલે તે આગળ વધી રહી છે. ગયા વર્ષે બિગ બોસ ઓટીટીની તેને ઓફર હતી પણ તે નહોતી આવી. ભૂતકાળની ચર્ચા કરવા કરતાં ભવિષ્ય સર્જવામાં તેને વધુ રસ છે.