સુરત: સુરત (Surat) જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ (Police) સેવા સુલભ બને તે માટે માંગરોળ પોલીસ સ્ટેશનથી (Mangrol Police Station) વિભાજિત કરાયેલા ઝંખવાવ (Zankhwav) ખાતેના ઝંખવાવ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના (HarshSanghvi) હસ્તે લોકાર્પણ કરાયું હતું. ઝંખવાવ પોલીસ સ્ટેશન હેઠળ વાંકલ આઉટ પોસ્ટના 7 અને ઝંખવાવ આઉટપોસ્ટના 13 મળી કુલ 20 ગામોના નાગરિકોને ફાયદો થશે. નવું પોલીસ સ્ટેશન બનતા માંગરોળ પોલીસ સ્ટેશનનું ભારણ ઘટવાની સાથે આ વિસ્તારમાં શાંતિ અને સલામતી વધુ સુદ્રઢ બનશે.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં શાંતિ, સુરક્ષા, સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા અને ગુજરાત પોલીસની ઉમદા કામગીરી છે. ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી-આમ નાગરિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓ, ફરિયાદોમાં ઝંખવાવ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી,
દેશમાં ગુજરાત રાજ્યને સર્વશ્રેષ્ઠ બનાવવા પોલીસ તંત્ર સજાગ-સતર્ક છે. છેલ્લા 20 વર્ષમાં અનેક સંઘર્ષોનો સામનો કરીને કાયદો-વ્યવસ્થા જાળવવામાં ગુજરાત રાજ્ય નંબર વન બન્યું છે એમ જણાવી પ્રાચીન વિરાસતને સાચવવામાં અને આઝાદીની લડતમાં દેશના આદિવાસી બાંધવોએ આપેલા યોગદાન અને બલિદાનને સંઘવીએ સ્મરણ કર્યું હતું.
ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સામાન્ય ગુનાઓમાં ફસાયેલા ગુનેગારો સાથે નૈતિક જવાબદારી પૂર્ણ વ્યવહાર થાય તે ઈચ્છનીય છે. સુરત રેન્જ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ગામદૂત યોજના’ અંતર્ગત પોલીસ તમામ ગામો સુધી પહોંચી પોલીસ મિત્ર તરીકેની ફરજ અદા કરશે અને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરશે એમ જણાવી ગુજરાતમાં અનેક કિસ્સાઓ ટેક્નોલોજીના માધ્યમથી ઉકેલાય છે ત્યારે પોલીસ વિભાગની નવી પહેલ સમાન વાહન અને મોબાઈલ ચોરીના કેસોમાં ઈ-એફઆઈઆરના પ્રોજેક્ટના ફાયદા અંગે વિસ્તૃત વિગતો આપી હતી. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, દેશની બાહ્ય સુરક્ષાની સાથોસાથ રાજ્યની આંતરિક સુરક્ષા પણ જરૂરી છે. વાર-તહેવાર હોય તો પણ પરિવારજનો અને પોતાની ખુશીઓના ભોગે પણ ફરજ પર મક્કમ રહેતા પોલીસકર્મીઓ પ્રજાના સાચા રક્ષક છે. ઝંખવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે એમ વસાવાએ ઉમેર્યું હતું.
ધારાસભ્ય ગણપતસિંહ વસાવા જણાવ્યું કે, 65 થી વધુ ગામ ધરાવતો માંગરોળ તાલુકો આજે વેપારનું કેન્દ્ર બિંદુ બન્યો છે. સ્થાનિક વિસ્તારમાં 2000 થી પણ વધુ ઉદ્યોગો સ્થાપિત થયા છે. વર્ષોથી નવા પોલીસ સ્ટેશનની માંગણી રાજ્ય સરકારે સ્વીકારી તેના પ્રતિકરૂપે આજે ઝંખવાવ પોલીસ સ્ટેશન જનસમર્પિત થયું છે, જે આમજનતા માટે ન્યાય મેળવવાના પ્રથમ પગથીયા સામન બની રહેશે. આ પ્રસંગે સુરત રેન્જના એડીશનલ આઈ.જી.પી.ડો.એસ.પી.રાજકુમાર, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક બી.કે.વનાર, જિલ્લા પંચાયતના દંડક દિનેશભાઈ સુરતી, આસપાસના ગામોના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આદિવાસી બહેનોએ ગૃહરાજ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધી આશીર્વાદ આપ્યા
આ વેળાએ ભાવનાત્મક સંબંધોના પ્રતિકસમા તહેવાર રક્ષાબંધન નિમિત્તે માંગરોળ તાલુકાની આદિવાસી બહેનોએ ગૃહરાજ્ય મંત્રીને રક્ષાસૂત્ર બાંધીને આશીર્વાદ આપ્યા. આ બહેનોને સંઘવીએ ભેટ સ્વરૂપે તિરંગા આપીને હરહંમેશ રાષ્ટ્ર સેવામાં તત્પર રહેવાનું વચન આપ્યું હતું. આ પ્રસંગે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વર્ષ 2021માં શ્રેષ્ઠત્તમ કામગીરીને પ્રસ્તુત કરતા ‘કર્મગ્રન્થ’ પુસ્તકનું મંત્રીના હસ્તે વિમોચન કરાયું હતું. અને વિવિધ ગુનાઓમાં સફળ ઓપરેશન પાર પાડનારા પોલીસકર્મીઓને સન્માનપત્ર એનાયત કરીને બહુમાન કરાયું હતું.