Gujarat

પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ગુજરાતના પ્રવાસે

ગાંધીનગર: ગુજરાત માટે ચાલુ સપ્તાહના અંતિમ દિવસોમાં ક્રિકેટથી માંડીને રાજકીય મહાનુભાવોની હાજરીથી પોલીસ સહિત તમામ સરકારી વિભાગોને સતત દોડતું રહેવા પડે એવી સ્થિતિ ઉદભવવાની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ (Amit Shah) આગામી 27મી મેથી ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વિવિધ સરકારી કાર્યક્રમોમાં હાજરી આપશે. આગામી તા.૨૯ મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખેડાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન (Police Housing Corporation) દ્વારા બાંધવામાં આવેલા કુલ ૫૭ નવનિર્મિત રહેણાક અને બિનરહેણાક મકાનોનાં લોકાર્પણ કરાશે. આ ઉપરાંત એ જ દિવસે અમદાવાદના (Ahmedabad) નારણપુરા ખાતે દુનિયાના વિકસીત દેશોમાં જે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ છે તેવું અદભૂત અદ્યતન ટેક્નોલોજીયુક્ત નિર્માણ થનાર સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાને રોકવા તથા આરોપીઓને ઝડપથી સજા થાય એ માટે સૌરાષ્ટ્ર વિસ્તારના નાગરિકોને સુવિધા પૂરી પાડવા રાજકોટ ખાતે અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ નવુ સાયબર ક્રાઇમ યુનિટ ઊભું કરાયું છે, જેમાં ઇન્ટોગ્રેશન રૂમમાં વિડીયો કેમેરા સાથે ઓડિયો થેરાપી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.

પોલીસ આવાસ નિગમ દ્વારા સ્થાપનાથી અત્યાર સુધીમાં ૪૮,૬૫૦ જેટલા વિવિધ કક્ષાનાં રહેણાક મકાનોનું બાંધકામ રૂ.૪૪૪૩.૮૧ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવાસ નિગમ દ્વારા બિનરહેણાકનાં મકાનો જેવાં કે, પોલીસ સ્ટેશન, આઉટપોસ્ટ, ચેકપોસ્ટ, એસ.પી. ઓફિસ, બેરેક, જેલ, એમ.ટી. સેક્શન વગેરેના બાંધકામની પણ કામગીરી હાથ ધરવામાં આવે છે. આવાસ નિગમ દ્વારા અત્યાર સુધીમાં ૩૭૪૬૩ જેટલા વિવિધ પ્રકારનાં રહેણાક મકાનોનું બાંધકામ રૂ.૨૨૪૧ કરોડના ખર્ચે તથા ૧૫૪૮ જેટલા વિવિધ પ્રકારના બિનરહેણાક મકાનોનું બાંધકામ રૂ.૧૭૪૭ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલા છે.

આગામી તા.28મીના રોજ પીએમ મોદી જસદણ-ગાંધીનગરની મુલાકાતે આવશે
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા.૨૮મી મે-૨૦૨૨ના રોજ ”સહકારથી સમૃદ્ધિ” કાર્યક્મ યોજાશે. જેમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સહકાર ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

કેબિનેટ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતની માહિતી આપતાં કહ્યું કે, તા. ૨૮મી મેના રોજ વડાપ્રધાન ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન ગુજરાત મુલાકાત દરમિયાન જસદણ ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરી જાહેર કાર્યક્રમને સંબોધશે અને એ જ દિવસે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનાર ”સહકારથી સમૃદ્ધિ” સંમેલનને સંબોધશે.

Most Popular

To Top