આણંદ : નારના ગોકુલધામ ખાતે રવિવારના રોજ હેલ્પીંગ હેન્ડ ફોર હ્યુમેનિટી વર્જિનિયા (યુએસએ)ના સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગોકુલધામના પ્રવેશદ્વાર પાસે 108 ફુટના સ્તંભ પર રાષ્ટ્રધ્વજ પ્રતિષ્ઠાન અને સદ્દવિદ્યા સેવાયજ્ઞના ભાગરૂપે આણંદ જિલ્લાના 365 ગામની 1019 સરકારી પ્રાથમિક શાળાઓના બે લાખથી વધુ બાળકોને શૈક્ષણિક કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દંતાલી ભક્તિ નિકેતન આશ્રમના પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ, એસજીવીપી ગુરૂકુલના માધવપ્રિયદાસજી મહારાજ, મોહનપ્રસાદદાસજી સ્વામી, ડભોઇના પુરાણી કૃષ્ણપ્રિયદાસજી મહારાજ, સાધુ શુકદેવપ્રસાદદાસ, સાધુ હરિકેશવદાસ, સંતગણ, દાતા તથા યજમાન રશ્મિભાઇ ભાઇલાલભાઇ પટેલ-સીમરડા (કેનેડા) ખાસ હાજર રહ્યાં હતાં.
આ પ્રસંગે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ધર્મ સંસ્થાઓમાં આવી રહેલા પરિવર્તનથી વિશ્વાસ વધ્યો છે, દેશને આગળ વધતા કોઇ નહીં રોકી શકે તેમ જણાવી રાજસત્તાથી ઉપર ધર્મ સત્તા રહેલી હોવાનું કહ્યું હતું. વધુમાં તેઓએ ખેડા જિલ્લાના માતરમાં જેઓ બિન ખેડૂતો છે અને ખેડૂતો બની બેઠાં છે, તેનો ઉલ્લેખ કરી ગુજરાતમાં જે કોઇ બિન ખેડૂતો હોય અને ખેડૂતો બની બેઠાં હોય તેવા તમામને જાતે નીકળી જવાની સાથે રાજ્યના આવા બની બેઠલાં બિનખેડૂતો જો જાતે નીકળી નહીં જાય તો તેઓની સામે કાર્યવાહી કરવાની સાથે ફોજદારી કેસો કરવામાં આવશે તેમ ચીમકી ઉચ્ચારી હતી. મહેસૂલ વિભાગમાં કરવામાં આવી રહેલા પરિવર્તન સહિત 24 પ્રકારના ઇનામી જમીનોના વિવિધ કાયદાનું નિરાકરણ લાવવાની સાથે આગામી સમયમાં નાગરિકોના હિતાર્થે હજુ આવનારા દિવસોમાં વધુ 19 નિર્ણયો લેવામાં આવનાર હોવાની જાણકારી આપી આવનારા સમયમાં નાગરિકો માટે ફાયદાકારક બની રહેશે તેમ કહ્યું હતું.
વડતાલ સ્વામિનારાયણના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ધર્મ સંસ્કારોના સિંચનની સાથે સામાજિક શિસ્તનું ચિંતન કરે છે. કોઇપણ કાર્યમાં વિશ્વાસ સંપાદન કરવો જરૂરી છે. ધનનો સદ્દઉપયોગ વિશ્વાસ થકી થાય છે. જે અહીં થઇ રહ્યો છે અને જેના આધારે ગોકુલધામ નાર સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય સહિત વિવિધ સેવાઓથી ધમધમતું રહ્યું હોવાનું કહ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગોકુલધામ નારના સાધુ શુકદેવપ્રસાદજી સ્વામી, વડતાલ સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશદાસજી, સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય મયુર રાવલ હાજર રહ્યાં હતાં.