SURAT

દમણના જામપોર બીચ પર પેરાશુટ તૂટી પડતા 3 લોકો ગંભીર ઈજાગ્રસ્ત

દમણ : પર્યટન સ્થળ દમણમાં રવિવારે ગોઝારી ઘટના બની હતી. અહીં ભારે પવનના લીધે પેરાશૂટ ધડામભેર દરિયા કાંઠે પટકાતા ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે દરિયા કાંઠે દોડધામ મચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સંઘ પ્રદેશ દમણમાં (Daman) રવિવારનાં રોજ મોટી દમણ જામપોર (Jampore) દરિયા કિનારે (Sea Beach) મોટી સંખ્યામાં સહેલાણીઓ દરિયા કિનારે મોજ મસ્તી કરી રહ્યા હતા. જો કે, વીક એન્ડ દરમ્યાન જામપોર દરિયા કિનારે પર્યટકો અનેક વોટર સ્પોર્ટ્સ (Water Sports) અને પેરાસુટની (Para Suit) પણ મઝા માણતા હોય છે. ત્યારે રવિવારનાં રોજ સાંજે 4-30 થી 5 વાગ્યાના અરસામાં નવસારીનો એક પરિવાર પણ મોજમસ્તી સાથે પેરાશુટની મઝા માણવા અર્થે લાઈનમાં ઉભો હતો.

જ્યાં તેમનો નંબર આવતા પરિવારનાં 45 વર્ષના વ્યક્તિ અને 7 વર્ષનો એક દિકરો પેરાશુટની મઝા માણવા તૈયાર થયો હતો. સાથે સ્થાનિક એક પેરાશુટ ઓપરેટ પણ હતો. ત્યારે જેવી પેરાશુટની જીપ તેમને ટેકઓફ કરી હવામાં ઉપર સુધી લઈ ગઈ એ દરમ્યાન ભારે પવનને કારણે દિશા બદલાઈ જવા પામી હતી. અને ઉપર સુધી ઉડેલું પેરાશુટ અચાનક સીધુ નીચે ફંગોળાઈને દરિયા કિનારે રેતીમાં પટકાઈ જવા પામ્યું હતું. જેને લઈ પેરાશુટમાં સવાર નવસારીના પર્યટક વિજેન્દ્ર તપેન્દ્ર સિંહ ( ઉં-45 ), આદિત્ય અવધેશ યાદવ ( ઉં. 7 વર્ષ) તથા પેરાશુટ ઓપરેટ ગજેન્દ્ર સીતારામ રાણાને શરીરે ગંભીર ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે વાપીની હરિયા હોસ્પિટલના આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કર્યા હોવાની જાણકારી મળી રહી છે.

ઉલ્લેખનિય છે કે, ચોમાસાની ઋતુ નજીક હોય ત્યારે હવાની દિશા દબલાતી હોય છે. સાથે બંગાળની ખાડીમાં પણ હવાનું દબાણના કારણે ભારે પવન છેલ્લા એક સપ્તાહથી ચાલી રહ્યો હોય એવા સમયમાં પણ દમણના દરિયા કિનારે આ પ્રમાણેની પેરાશુટ એક્ટીવીટી ચાલુ રખાતા પર્યટકોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભો થઈ રહ્યા છે. ત્યારે લોકોના જીવ સાથે ચેડા કરતા આવા પેરાશુટ ઓપરેટર સામે પ્રશાસન સખ્ત કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે. હાલ તો, આ ઘટના ને લઈ જમપોર બીચ પર હાજર રહેલા અન્ય પર્યટકોમાં પેરાશુટ તુટી પડવાની ઘટનાને નજરે નિહાળતા તેમનામાં ગભરાટ વ્યાપી જવા પામ્યો છે.

Most Popular

To Top