આસામ: આસામમાં આવેલી પુરનાં પગલે ભારે તબાહી મચી છે. લોકોનું જન જીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. લોકોના ઘરોની સાથે સાથે જીવન નિર્વાહ માટેનાં તમામ સાધનો તબાહ થઇ ગયા છે. પૂરનાં પાણીમાં આસામ ડૂબી ગયું છે. 29 જીલ્લાઓ પૂરથી અસરગ્રસ્ત થયા છે. અત્યાર સુધીમાં 8 લાખ લોકોને અસર પહોંચી છે. તેમજ ૧૪ લોકો મોતને ભેટ્યા છે.
ચંગજુરાઈ અને પાટિયા પાથર ગામમાં પૂરનાં પાણીમાં ડૂબ્યું
આસામમાં આવેલી પૂરનાં પગલે લોકોનાં માથા પરથી છત છીનવાઈ ગઈ છે. આસામના જમુનામુખ જિલ્લાના બે ગામોમાં તબાહીનાં એવા દ્રશ્યો સામે આવ્યા છે જેણે લોકોને ચોંકાવી દીધા છે. આ બે ગામ છે ચંગજુરાઈ અને પાટિયા પાથર. આ ગામના 500થી વધુ પરિવારો પાસે જ કઈ પણ હતું તેઓએ તે બધું પૂરમાં ગુમાવી દીધું છે. તેઓની પાસે ન તો રહેવા માટે છત છે ન તો ખાવા માટે અન્ન…જેને લઈને લોકો નિરાશ થઇ ગયા છે. તેઓએ જણાવ્યું કે, છેલ્લા પાંચ દિવસમાં તેઓને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી કોઈ મદદ મળી નથી. ગામના લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ઊંચી જગ્યા પર બનેલા રેલવે ટ્રેક પર આશ્રય લીધો હતો. અહી વરસાદ વચ્ચે આ લોકો તાડપત્રી લગાવીને જીવન જીવવા મજબુર બન્યા છે.
ઉધાર પૈસા લઇ તાડપત્રી ખરીદી
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ સુધી અમે ખુલ્લા આકાશ નીચે હતા, પછી અમે ઉધાર પૈસા લઇને તાડપત્રી ખરીદી. અમે પાંચ પરિવારો એક જ તાડપત્રી નીચે રહીએ છીએ. ત્યાં સ્થિતિ એટલી કપરી બની છે કે લોકોના પીવા માટે પાણી પણ નથી. તેમજ જમવા માટે અન્ન પણ નથી. લોકોએ જણાવ્યું કે અમે દિવસમાં માત્ર એક જ વાર ખાઈએ છીએ. છેલ્લા ચાર દિવસમાં અમને માત્ર થોડા ચોખા મળ્યા છે.”અમને ગઈ કાલે ચાર દિવસ પછી સરકાર તરફથી મદદ મળી. તેઓએ અમને થોડા ચોખા, દાળ અને તેલ આપ્યું છે. પરંતુ કેટલાકને તો એ પણ નથી મળ્યું.”
ડાંગરનો પાક પૂરમાં નાશ પામ્યો
આસામમાં પૂરનાં પગલે ખેતીને પણ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. આસામમાં ખાસ કરીને ડાંગરનો પાક વધુ થાય છે. જો કે પુરનાં પગલે ડાંગરનાં પાકને પણ નુકશાન થયું છે. ચાંગજુરાઈ ગામનાં એક વ્યક્તિએ જણાવ્યું કે, અમારો લણણી માટે તૈયાર ડાંગરનો પાક પૂરમાં નાશ પામ્યો છે. અહી આવી પરિસ્થિતિમાં જીવવું ખૂબ મુશ્કેલ છે. કુલ 80,036.90 હેક્ટર ખેતી લાયક જમીન તબાહ થઈ ગઈ છે. આસામના 2251 ગામો હજુ પણ પૂરના પાણીમાં ડૂબેલા છે.