સુરત: સુરતની સચીન જીઆઈડીસીમાં ગયા જાન્યુઆરી મહિનામાં ગેસ લીકેજની ઘટનામાં 6 મજૂરોના મોત થયા હતા, જ્યારે 23થી વધુ લોકો બિમાર પડ્યા હતા. આ ઘટનામાં હવે ત્રણ મહિના બાદ રાષ્ટ્રીય સ્તરે તપાસ શરૂ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિશના નેતૃત્વમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની ટીમ આજે સચીન જીઆઈડીસી આવી પહોંચી છે. આ ટીમના સભ્યો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર, સુરત પોલીસ કમિશનર, જીઆઈડીસીના ઉચ્ચ અધિકારીઓ સહિત જવાબદાર તંત્રને તીખા સવાલો કરવામાં આવી રહ્યાં છે.
ગઈ તા. 6 જાન્યુઆરીના રોજ સચીન જીઆઈડીસીમાં ગેસ લીકેજ કાંડ થયો હતો. આ ઘટનામાં 6 મજદૂરોના મોત થયા હતા, જ્યારે 23થી વધુ બિમાર પડ્યા હતા. ઘટના એવી બની હતી કે સચીન જીઆઈડીસીમાં રોડ પર પાર્ક કરેલું કેમિકલ ભરેલું ટેન્કર લીક થયું હતું. આ ટેન્કર અંકલેશ્વરથી આવ્યું હતું, જેમાં ઝેરી વેસ્ટ કેમિકલ ભરેલું હતું. આ ઝેરી કેમિકલના લીધે વાતાવરણમાં ઝેર ભળ્યું હતું અને નજીકની વિશ્વા પ્રેમ મિલમાં ઊંઘતા 10 કારીગર અને અન્ય મજૂરોના શ્વાસ રૂંધાયા હતા. ગૂંગળાઈ જવાના લીધે 6 જણાના મોત થયા હતા, જ્યારે 23 લોકો અસર પામ્યા હતા.
આ ઘટનામાં કેમિકલ ટેન્કરના ડ્રાઈવર, કેમિકલ મોકલનાર કંપનીના માલિકો સહિત અનેક લોકોની ધરપકડ થઈ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરથી ચાર આરોપીની ધરપકડ બાદ સંગમ એન્વાયરોમેન્ટ કંપનીના આશિષ ગુપ્તા અને તેના ભાગીદાર મૈત્રેય વેરાગી અને નિલેશ બહેરાની ધરપકડ કરી હતી.
હવે આ કેસમાં ઉચ્ચસ્તરીય તપાસ શરૂ થઈ છે. દિલ્હી હાઇકોર્ટના નિવૃત ચીફ જસ્ટિસ બીસી.પટેલના અધ્યક્ષપદ હેઠળની નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની ટીમે સચિન જીઆઇડીસીના નોટિફાઇડ ભવનમાં અધિકારીઓ સાથે બેઠક હાથ ધરી છે. સચિન જીઆઇડીસીમાં ચાલી રહેલી બેઠકમાં ઉદ્યોગ સંગઠનોને પ્રવેશ આપવામાં આવ્યો નથી. કોઈની રજુઆત સાંભળવામાં આવી રહી નથી. આ ટીમ દ્વારા દુર્ઘટનાની સ્થળ મુલાકાત લેવામાં આવનાર છે. આ ઉપરાંત જીઆઇડીસી, જીપીસીબીના અધિકારીઓ પાસે દુર્ઘટના પછી શું પગલાં લીધા, કયા સુધારા કર્યા સહિતનો લેખિત રિપોર્ટ માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જીઆઇડીસીના એમડી એમ. થેન્નારાસન, ચીફ એન્જીનિયર વસાવા, સુરત કલેક્ટર આયુષ ઓક, પોલીસ કમિશનર અજય તોમર, પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના જિજ્ઞાબેન ઓઝા, મહાનગરપાલિકાના કમિશ્નર બીએસ.પાની, નોટિફાઇડ જીઆઇડીસીના સ્થાનિક અધિકારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે.
જાણવા મળ્યા અનુસાર તપાસ ટીમ દ્વારા આ અધિકારીઓને તીખા સવાલો કરવામાં આવ્યા છે.
મૃતકોના પરિવારને 24 લાખની સહાય અપાઈ
હજુ ગયા અઠવાડિયે શુક્રવારના રોજ જ ગેસ લીકેજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 6 મજૂરોના પરિવારજનોને રૂપિયા 24 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી અને તેના ત્રણ જ દિવસમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની ટીમ તપાસ માટે જીઆઈડીસીમાં દોડી આવતા ચકચાર મચી ગઈ છે. ગયા શુક્રવારે મૃતકોના પરિવારજનોને મૃતક દીઠ 4 લાખની સહાય રાજ્યના કૃષિ ઉર્જા રાજ્ય મંત્રી મુકેશ પટેલના હસ્તે વિતરીત કરાયા હતા. આ ઉપરાંત વિશ્વ પ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ દ્વારા પણ મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય આપવામાં આવી હતી.
આ છ મૃતકોના પરિવારોને મળ્યા સહાયના ચેકો
- ૧) કિરણબેન સુલતાન ડમર (ઉં.વ.૨૨, છોટાબોલાસા ગામ, સારંગી, ઝાબુઆ, મધ્યપ્રદેશ)
- ૨) સુલતાન નંદા ડમર (ઉં.વ.૨૫, તલબપાડા ગામ, બેહાંડી, ઝાબુઆ, મધ્યપ્રદેશ)
- ૩) સુરેશ પપ્પુ વખાલા (ઉં.વ.૨૨, મકાનકુઈ ગામ, તા. પીથનપુર, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
- ૪) અંબદત્ત બાજપાઈ (ઉં.વ.૩૬, મઉ ગામ, મુસ્તકિલ, ચિત્રકૂટ, ઉત્તરપ્રદેશ)
- ૫) વિમલચંદ ફૂલચંદ્રા કોરી (ઉં.વ.૨૫, હિસમપુર બહારેમઉ ગામ, નિઝામપુર, નવગારા શીરાથુ કૌસાંબી, ઉત્તર પ્રદેશ)
- ૬) વિમલ પાસવાન (ઉં.વ.૨૫, ઈચીપુર ગામ, જમુજી, પટના, બિહાર)