Top News

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ કેટલું લાંબું ચાલશે?

નવી દિલ્હી: ગયા ગુરૂવારે તા. 28 ફેબ્રુઆરીના રોજ રશિયાએ (Russia) યુક્રેન (Ukraine) પર મિસાઈલ હુમલો કર્યો તે વાતને સાત દિવસ થઈ ગયા છે. યુદ્ધ (War) શરૂ થયું ત્યારે કહેવાતું હતું કે બે દિવસમાં રશિયા યુક્રેન પર કબ્જો કરી લેશે. પણ સાત દિવસ બાદ પણ હજુ યુદ્ધનો અંત આવ્યો નથી. યુક્રેનના ખારકીવ સહિત બેથી ત્રણ શહેરોને રશિયાના સૈન્યેએ તબાહ કરી દીધા છે, તો સામા પક્ષે યુક્રેને પણ રશિયાના હજારો સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો કર્યો છે. હજુ પણ આ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી ત્યારે સવાલ એ ઉભો થાય છે કે હજુ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે?

  • યુક્રેન પર કબ્જો કરવા અંગે રશિયાની ગણતરીઓ ઉંધી પડી
  • રશિયા કિવને વેળાસર કબ્જે કરવામાં સફળતા નહીં મળેવે તો યુદ્ધ લંબાશે
  • રશિયા કોઈ પણ સંજોગોમાં પીછેહઠ કરશે નહીં

સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે રશિયન સેનાએ હવે યુક્રેનની રાજધાની કિવને ચારે બાજુથી ઘેરી લીધું છે. તેથી કિવને કબ્જે કરવામાં વધુ સમય નહીં લાગે. પરંતુ જો રશિયા કિવને વેળાસર કબ્જે કરવામાં સફળતા નહીં મળેવે તો યુદ્ધ લંબાશે. યુદ્ધ ઘણા દિવસો સુધી ખેંચાઈ શકે છે. રશિયા સાથે જોડાયેલા સૂત્રોનો દાવો છે કે 7 માર્ચ સુધીમાં રશિયા યુક્રેન પર સંપૂર્ણપણે કબ્જો મેળવી લેશે. એટલે એ વાત સ્પષ્ટ છે કે હજુ આગામી સોમવાર સુધી યુદ્ધ ચાલી શકે છે.

સંરક્ષણ નિષ્ણાત લેફ્ટન્ટ જનરલ રાજેન્દ્ર સિંહે કહ્યું કે, યુક્રેન પર કબ્જો કરવા અંગે રશિયાની ગણતરીઓ ઉંધી પડી છે. યુક્રેનના નાગરિકો યુદ્ધમાં કૂદી પડતાં અન્ય દેશોની યુક્રેનને મદદ મળવા લાગી. આ સંજોગોમાં નાગરિકોની જાનહાનિ વધુ નહીં થાય તે આશયથી રશિયાએ યુદ્ધમાં ઓછી આક્રમકતા દાખવી, જેના પરિણામે યુદ્ધ લંબાયું છે. રશિયા પણ આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ હેઠળ છે, તેથી તે નાગરિકોની જાનહાનિ ઘટાડવાના પ્રયાસ કરી રહ્યું છે. તેના લીધે હજુ એક અઠવાડિયા સુધી યુદ્ધ ચાલે તેવી શક્યતા છે.

સિંહે વધુમાં કહ્યું કે, રશિયા કોઈ પણ સંજોગોમાં પીછેહઠ કરશે નહીં. રશિયાએ યુદ્ધ માટે બે શરત મુકી છે. એક યુક્રેન સરેન્ડર કરે અને બીજું કે રશિયા યુક્રેન પર કબ્જો કરે. યુક્રેનના તેવર નરમ પડી રહ્યાં નથી. તે મારો યા મરોની નીતિ પર યુદ્ધ લડી રહ્યું છે. મરણિયા બનેલા યુક્રેનને હરાવવું રશિયા માટે મુશ્કેલ બની રહ્યું છે. જોકે, લાંબો સમય સુધી યુક્રેન યુદ્ધમાં લડી શકે તેમ નથી.

સંરક્ષણ નિષ્ણાતે એ વાત પણ સ્પષ્ટ કરી કે યુક્રેન યુદ્ધથી બીજું કોઈ યુદ્ધ ફાટી નીકળવાનો કે વિશ્વયુદ્ધ થવાના હાલ કોઈ સંજોગો જણાતા નથી. નાટો દળોએ આ યુદ્ધથી દૂર રહેવાની સ્થિતિ પહેલાં જ સ્પષ્ટ કરી છે. જોકે, એ વાત ચોક્કસ છે કે યુદ્ધ જેટલું લાંબુ ચાલશે તેટલું વિશ્વને નુકસાન વધુ થશે.

Most Popular

To Top