આણંદ : કરમસદ ખાતે આવેલી કરોડો રૂપિયાની જમીન બે ભાઇએ છાપરૂ બનાવી પચાવી પાડવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ અંગે જમીન માલિક વૃદ્ધાની ફરિયાદ આધારે વિદ્યાનગર પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કરમસદના લીમડી પોળ ખાતે રહેતા પન્નાબહેન અંબાલાલ પટેલની વારસાગત જમીન કરમસદ ખાતે આવેલી છે. આ જમીન તેઓએ રમાભાઈ દલાભાઈ પરમારને ખેડવા આપી હતી. જે બાબતે 13મી સપ્ટેમ્બર,1963ના રોજ ગણોતીયાનો ખેડહક સમાપ્ત કરવામાં આવ્યો હતો. આ જમીનનો કબજો જમીનદારને જાતે ખેડવા માટે સુપ્રત કરવામાં આવે છે.
બાદમાં 1992માં પુજાભાઈ રામાભાઈ પરમાર તથા રઇજીભાઈ રામાભાઈ પરમાર (રહે. સંદેસર રોડ)એ જમીન બાબતે કૃષિપંચ ખાતે કેસ દાખલ કર્યો હતો. જેમાં પણ પન્નાબહેન તરફે હુકમ આવ્યો હતો. બાદમાં આ કેસ આણંદ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. જેમાં પણ કૃષિપંચનો હુકમ કાયમ રાખવામાં આવ્યો હતો. આમ છતાં પુંજા પરમાર અને રઇજી પરમાર બન્ને ભેગા થઇ ભાનુબહેન રમણભાઈ પાસેથી પૈસા જમીન પેટે લીધેલા હોય હાલમાં ભાનુબહેને આ જમીનમાં ગેરકાયદેસર રીતે કબજો જમાવી દીધો છે. આ અંગે આખરે પન્નાબહેને લેન્ડ ગ્રેબીંગ અંતર્ગત ફરિયાદ આપતાં પોલીસે બન્ને ભાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કરમસદ છેલ્લા કેટલાક સમયથી જમીન પચાવી પાડવાના કિસ્સામાં વધારો થયો છે.