વિદેશ વાંચ્છુ સાથે 34.22 લાખની ઠગાઇ કરનારો ગઠિયો પકડાયો

આણંદ : વિદ્યાનગર ખાતે ભાઇ કાકા સ્ટેચ્યુ પાસે વિ-સ્કેવર કોમ્પ્લેક્સમાં આવેલી યોર ડ્રીમ ઇન્ટરનેશનલના સંચાલક દ્વારા વિદેશ વાંચ્છુઓ સાથે 34.22 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. જોકે, ચાર માસથી ભાગ ફરતાં આ ગઠિયાને પોલીસે મુંબઇથી પકડી પાડવામાં સફળતા મળી હતી. સુરતના કૈલાસ રો હાઉસ ખાતે રહેતા શોભનાબહેન સંજયકુમાર પટેલના પુત્ર વિશ્રુતકુમારને યુકે જવાનું હોવાથી વિઝા માટે ફાઇલ મુકવાની હતી. આથી, વિદ્યાનગર ખાતે આવેલી યોર ડ્રીમ ઇન્ટરનેશનલના વિઝા કન્સલટન્ટ અમિતભાઈ જશભાઈ પટેલનો 24મી નવેમ્બર,2020ના રોજ સંપર્ક સાધ્યો હતો.  અમિતએ કટકે કટકે રૂ.9.96 લાખ પડાવી લીધાં હતાં. બાદમાં ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

આથી, છેતરપિંડી થઇ હોવાનું જણાતાં શોભનાબહેને વિદ્યાનગર પોલીસ મથકે યોર ડ્રીમ ઇન્ટરનેશનલના અમિત જશભાઈ પટેલ (રહે.ઇસણાવ, તા. સોજિત્રા) સામે ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જ અમિત પટેલે અન્ય પાંચ મળી કુલ રૂ.34,22,565નું ઠગાઇ કરી હોવાનું ખુલ્યું હતું. બીજી ચોંકાવનારી બાબત એ ખુલી કે અમિત પટેલે વિદેશી યુનિવર્સિટીના એડમીશન ઓવર લેટર, વિદેશની યુનિવર્સિટીના ફિ ભરેલી પહોંચ, ટીટી ટેલીગ્રાફિક ટ્રાન્સફર રસીદો ખોટી બનાવી હોવાનું ખુલ્યું હતું. અમિત ચાર માસથી ફરાર હતો. દરમિયાનમાં બાતમી મળી હતી કે, અમિત પટેલ મુંબઇમાં રહે છે. આ બાતમી આધારે ખાસ ટીમ મુંબઇ પહોંચી હતી અને અમિત જશભાઈ પટેલને પકડી તેના રિમાન્ડ મેળવી કૌભાંડમાં અન્ય કોઇ સંડોવાયું છે કે કેમ ? તે અંગે પુછપરછ હાથ ધરી છે.

Most Popular

To Top