નવસારી : (Navsari) નવસારીમાં હીરાના વેપારીએ (Diamond Trader) હીરા દલાલ (Broker) સાથે મળી વેપારીના 28.34 લાખના હીરા લઈ રફુચક્કર થઇ ગયો હોવાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, મૂળ બનાસકાંઠા ધાનેરા તાલુકાના વાલેર ગામે અને હાલ નવસારી માણેકલાલ રોડ પ્રિયદર્શની પાર્ક સોસાયટી આનંદ એપાર્ટમેન્ટમાં ભુરાભાઈ કાનાભાઈ દેસાઈ હીરાનું કારખાનું ચલાવે છે. બે-ત્રણ દિવસ અગાઉ ભુરાભાઈના સગાં મહેન્દ્રભાઈએ ફોન કરી એક ભાઈને રોકડેથી હીરા વેચાતા લેવાના છે તેમ જણાવી તે ભાઈને તમારો મોબાઈલ નંબર આપ્યો છે, તે ભાઈ તમને સંપર્ક કરશે તો તેઓને હીરા બતાવજો તેમ જણાવ્યું હતું.
- નવસારીમાં હીરાના વેપારીને ‘બરાબર હીરા દેખાતા નથી’ કહી હીરા દલાલ અને અન્ય વેપારીએ ઠગાઈ કરી
- જયપુરમાં હીરાના દાગીનાની દુકાન છે એમ કહી ઠગે નવસારીના વેપારીને છેતર્યો
- પડદાં પાછળ હીરા ચેક કરવા ગયેલો ઠગ છૂમંતર થઈ ગયો
ગત 9મીએ આતીશભાઈ નામના ઇસમે ભુરાભાઈને ફોન કરી મારા પાસે એક પાર્ટી છે અને તે રોકડેથી હીરા ખરીદવા માંગે છે તેવી વાત કરતા ભુરાભાઈએ મારા પાસે હાલમાં હીરાનો માલ તૈયાર નથી, તૈયાર થઇ જાય તો હું તમને આવતીકાલે બતાવીશ તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ભુરાભાઈ નવસારી ધોબીવાડ મહાકાલી બેંકની નજીક આવેલ મહાવીર ચેમ્બર્સની બાજુમાં આવેલી આતીશભાઈની ઓફીસે ગયા હતા. જ્યાં તેઓ હીરાના દલાલ આતીશભાઈ અને હીરા વેપારી નિખીલભાઈ પટેલને મળ્યા હતા. જ્યાં આતીશભાઈએ નિખીલભાઈને 70 થી 75 લાખના હીરા ખરીદ કરવા છે તેમ જણાવ્યું હતું.
જેથી ભુરાભાઈએ તેમના કારખાને ચા પીવા બોલાવી નિખીલભાઈ પાસે ફોન નંબર માંગ્યો હતો. ત્યારે નિખીલભાઈએ તેમનો વિઝિટિંગ કાર્ડ આપતા તેમાં દુકાન નંબર 341-342, શરાફા ગલી, મહેંદી ચોક, બડી ચોપડ, જયપુર, રાજસ્થાન લખ્યું હતું. જે બાબતે ભુરાભાઈએ પૂછતાં નિખીલભાઈએ જણાવ્યું હતું કે, જયપુર ખાતે મારી હીરાના દાગીનાની દુકાન છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ આતીશભાઈ અને નિખીલભાઈ ભુરાભાઈની ઓફિસે ગયા હતા. જ્યાં તેઓએ હીરાનો માલ માંગતા ભુરાભાઈએ આવતીકાલ સુધીમાં માલ તૈયાર થઇ જશે, માલ તૈયાર થઇ જશે તેટલો માલ આપીશ તેવી કરતા તેઓ જતા રહ્યા હતા.
ગત 10મીએ સવારે ભુરાભાઈ 12.52 લાખના 50.08 કેરેટના પોલીશ્ડ હીરા, 6,89,920 રૂપિયાના 21.56 કેરેટના પોલીશ્ડ હીરા અને 8,92,160 રૂપિયાના 27.88 કેરેટના પોલીશ્ડ હીરાના એમ ત્રણ પેકેટ મળી કુલ 28,34,080 રૂપિયાના પોલીશ્ડ હીરા લઈ આતીશભાઈની ઓફિસે ગયા હતા. જ્યાં નિખીલભાઈએ ભુરાભાઈ પાસે હીરા જોવા માટે માંગતા ભુરાભાઈએ પોલીશ્ડ હીરાના ત્રણ પેકેટ આપ્યા હતા. જેથી નિખીલભાઈ હીરાના પેકેટ ખોલી હીરા ચેક કરતા હતા અને હીરાના ભાવ બાબતે વાતચીત કરતા હતા.
દરમિયાન ‘નિખીલભાઈ બરાબર હીરા દેખાતા નથી, જેથી હું અજવાળામાં જઈ હીરા ચેક કરી લઉં’ તેવું જણાવી નિખીલભાઈ ઓફિસમાં લગાવેલા કાપડના પડદા પાછળ ગયા હતા. પરંતુ થોડી વાર સુધી નિખીલભાઈ ન આવતા ભુરાભાઈએ પડદો ખસેડી જોયો હતો. પરંતુ ત્યાં નિખીલભાઈ ન દેખાતા તેઓ પાછળનો દરવાજો ખોલી હીરા લઇ નાસી ગયા હતા. જેથી ભુરાભાઈએ આજુબાજુમાં તપાસ કરી હતી. પરંતુ નિખીલભાઈ મળ્યા ન હતા. ત્યારે આતીશભાઈએ જણાવ્યું હતું કે, નિખીલભાઈ તેમના માણસને લેવા માટે અમારી ઓફિસમાં કામ કરતા દીપચંદ સાહેબલાલ સોનકરની બાઈક (નં. જીજે-21-બીપી-4964) લઈને ગયા હશે તેમ જણાવ્યું હતું. પરંતુ ઘણો સમય વીતી ગયા છતાં નિખીલભાઈ પરત ન આવતા ભુરાભાઈએ તેમના સગાં-સબંધીઓને બોલાવી લીધા હતા. આ બાબતે ભુરાભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે નિખીલભાઈ પટેલ, આતિશભાઈ શાહ અને દિનેશ પલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આતીશભાઈ શાહ અને દિનેશ પાલની ધરપકડ કરી આગળની તજવીજ પી.એસ.આઈ. એમ.આર. વાળાએ હાથ ધરી છે.