SURAT

અમેરિકાથી સુરત આવેલા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતાં મનપાનો આરોગ્ય વિભાગ હરકતમાં

સુરત: (Surat) કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને (America) કારણે ભયજનક વાતાવરણ ઊભું થયું છે. ખાસ કરીને વિદેશથી આવનારા લોકોમાં મનપા દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. શહેરમાં ગઈકાલે અમેરિકાથી આવેલા વૃદ્ધ દંપતી પૈકી પતિનો આરટી પીસીઆર (RTPCR) રિપોર્ટ પોઝિટિવ આવતાં મનપાનો આરોગ્ય વિભાગ (Heath Department) હરકતમાં આવી ગયો છે. અને વૃદ્ધનાં સેમ્પલ લઈ જિનોમ સિક્વન્સ માટે મોકલી આપવામાં આવ્યાં છે.

ગતરોજ અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચેલા કુંભારિયાના વૃદ્ધ દંપતી પૈકી પતિનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર હરકતમાં આવી ગયું હતું. છેલ્લાં સાતેક વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા આ વૃદ્ધ દંપતી હાલ કુંભારિયા ખાતે તેમના નિવાસ સ્થાને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. બીજી તરફ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ આવેલા વૃદ્ધનાં સેમ્પલ લઈ જિનોમ સિક્વન્સ માટે મોકલી દેવામાં આવ્યાં છે. જેનો રિપોર્ટ 7 દિવસ પછી આવશે.

સુરત જિલ્લામાં અલગ અલગ દેશથી આવેલા 25 લોકોનાં સેમ્પલ લેવાયાં
કોરોનાના નવા વેરિઅન્ટને કારણે જિલ્લા તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે. વિદેશથી આવી રહેલા લોકોના આર.ટી.પી.સી.આર. ટેસ્ટનાં સેમ્પલ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. મંગળવારે અલગ અલગ તાલુકામાં બહારથી આવેલા 25 લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. સોમવારે પણ 4 સેમ્પલ લેવાયાં હતાં. જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મંગળવારે બારડોલી તાલુકામાં યુએઈથી આવેલા 6 લોકોના, પનામાથી કામરેજ આવેલા 4 લોકોના, યુએસથી 1 અને યુકેથી ચોર્યાસી તાલુકામાં આવેલા 2 લોકોના, યુએસથી માંડવી આવેલી 1 વ્યક્તિના અને માંગરોળમાં બહેરીનથી આવેલા 4 લોકો, કેનેડાથી આવેલા 2 લોકો અને સાઉથ આફ્રિકાથી આવેલી 1 વ્યક્તિનાં સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યાં છે. આમ, મંગળવારે વિદેશથી આવેલા કુલ 25 લોકોના આર.ટી.પી.સી.આર. ટેસ્ટનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. સુરત જિલ્લામાં કુલ 25 વિદેશમાંથી આવ્યા છે. જે પૈકી 17નાં સેમ્પલ લેવાયાં છે અને 4 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

વિદેશથી વધુ 101 લોકો સુરતમાં આવ્યા, જે પૈકી 39 હાઇરિસ્ક ધરાવતા 12 દેશમાંથી આવ્યા

સુરત : વિશ્વમાં ચિંતાનું મોજુ ઉભુ કરનાર દક્ષિણ આફ્રિકાથી ફેલાયેલા ઓમિક્રોન વેરિઅન્ટ સામે લડવા કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીનું સુરત મહાનગર પાલિકા દ્વારા ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. મંગળવારે વધુ 101 મુસાફરો વિદેશથી સુરત આવ્યા હતા. જેમાંથી હાઇરિસ્ક કેટેગરીમાં આવતા 12 દેશોમાંથી આવેલા 39 મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય દેશોમાંથી આવેલા મુસાફરો પૈકી 22ના આરટીપીસીઆર ટેસ્ટ થયા હતા. જો કે કોઇ મુસાફરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો નથી સુરતમાં અત્યાર સુધીમાં કુલ 569 વિદેશી મુસાફરો આવ્યા હતા. જેમાંથી 80 હાઇરિસ્ક કેટેગરી ધરાવતા દેશમાંથી જ્યારે બાકીના અન્ય દેશોમાંથી આવ્યા હતા. હાઇરિસ્ક કેટેગરી ધરાવતા દેશોમાંથી આવેલા 80માંથી 52નો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે 28નો રિપોર્ટ પેન્ડીંગ છે.

Most Popular

To Top