બીલીમોરા : બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટનું સ્ટેશન બીલીમોરા (Bilimora) નજીકના કેસલી ગામે નિર્ધારિત થયું હોવાથી પાણી અને સીવેજ લાઈનની સગવડ આપવા માટે કેસલી ગામ સહિત સાત ગામો પાસેથી સંમતિ માંગતો પત્ર બીલીમોરા નગરપાલિકાએ માંગ્યો હતો. તો બીજી તરફ નગરપાલિકાની હદ વિસ્તરણનો મુદ્દો ગરમાતા આજુબાજુના સાત ગામોનો પાલિકામાં નહીં જોડાવા માટે ધકવાડા ગામના હેલીપેડ(Helipad) ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા વિરોધ કરવા સાથે શક્તિ પ્રદર્શન યોજાયું હતું.
- પાલિકામાં સમાવેશ સામે કેસલીના લોકોનો ખુલ્લો વિરોધ: પાણી-સીવેજની સગવડ આપવા માટે સાત ગામ પાસેથી સંમતિ માંગતો પત્ર બીલીમોરા પાલિકાએ માંગ્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું સ્ટેશન બીલીમોરા નજીક કેસલી ગામે જાહેર કરાયું છે. સમગ્ર દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન સુરત બીલીમોરા વચ્ચે શરૂ થશે. બીલીમોરા નગરપાલિકા પાણી સપ્લાય અને સીવરેજ લાઈન માટે કેસલી ગ્રામ પંચાયતના વિસ્તારમાંથી પાઇપલાઇન નાખવા માટે સરકાર તરફથી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે. જે અંતર્ગત કેસલી ગ્રામપંચાયતનો બીલીમોરા નગરપાલિકામાં સમાવેશ જરૂરી છે.
આથી તા. 11/11/2021 નાં રોજ બીલીમોરા નગરપાલિકાનાં ચીફ ઓફીસર વિનય ડામોરે કેસલી ગ્રામપંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રીને ઉદ્દેશીને એક પત્ર પાઠવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે પાણી અને સીવરેજ સુવિધા પુરી પાડવાની સૂચના હોવાથી તે અગાઉ કેસલી ગામનો બીલીમોરા નગરપાલિકામાં સમાવેશ કરવો જરૂરી છે. આથી આપના તરફથી તે અંગેની સંમતિ પત્ર આવશ્યક છે. જેથી કેસલી ગામને બીલીમોરામાં કાયદેસર સમાવેશ કરી, માંગણી મુજબ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય.
આ કારણે કેસલી સહિત દેવસર, આતલીયા, ધકવાડા, નાદરખા, તલોધ અને વલોટીમાં હદ વિસ્તરણ અંગે ઉત્તેજના વ્યાપી હતી. અને પાલિકામાં સમાવેશ સામે ખુલ્લો વિરોધ નોંધાવી ગ્રામજનો એકજુટ બન્યા હતા. ધકવાડા હેલિપેડ મેદાન ઉપર મંગળવારે ઘેરા પ્રત્યાઘાત જોવાયા હતા અને મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગાં થઈને શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું.