વડોદરા : દેશમાં વધતા જતા દુષ્કર્મની ઘટનાઓને લઈ હિન્દુ સંગઠનોમાં આક્રોશ ફેલાયો છે. ત્યારે નારી તું નારાયણીના સૂત્રને સાર્થક બનાવવાની સાથે નારીશક્તિને શસ્ક્ત કરવા હેતુસર શહેરના સુભાનપુરા ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ સર્કલ ખાતે યુવા યૌદ્ધા સેવા સંસ્થા દ્વારા હિન્દુ નારીઓને કટારનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ સર્કલ ખાતે યુવા યૌદ્ધા સેવા સંસ્થા દ્વારા નારી શક્તિને પ્રોત્સાહિત કરવા માટે કટાર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં યુવા યોદ્ધા સેવા સંસ્થાના પ્રમુખ ભગવાનભાઈ ભરવાડ, પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે તથા વોર્ડ નંબર 3 ના ભાજપના કોર્પોરેટર રૂપલ મેહતા તેમજ યુવા યોદ્ધા સેવા સંસ્થાના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને નારી શક્તિને પ્રોત્સાહિત કરાઈ હતી. દેશમાં તેમજ ગુજરાતમાં જે રીતે દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થવા માંડ્યો છે.અને નરાધમો ખુલ્લેઆમ બેખોફ બની ફરી રહ્યા છે. ત્યારે નારી શક્તિ આવા નરાધમ ભેડિયાઓ સામે શસ્ક્ત બની નારી તું નારાયણીનું સૂત્ર સાર્થક કરે તેના ભાગરૂપે મહિલાઓને કટાર આપવામાં આવી હતી. જેનાથી તેઓ પોતાના બચાવ માટે પોતાની જાતે જ પોતાની રક્ષા કરી શકે.
યુવા યોધ્ધા સેવા સંસ્થાના પ્રમુખ ભગવાનભાઈ ભરવાડે જણાવ્યું હતું કે જે પ્રકારે મોબાઈલ પોતાની સાથે રાખો છો તેવી રીતે આ કટાર પણ તમારી સાથે રાખી તમારી રક્ષા કરી શકો છો. આ કટાર લગાવવાથી અસામાજિક તત્વો તમારી ઉપર ખરાબ નજર નાખતા પહેલા વિચાર કરશે અને આપણા શહેરમાં આવા બનાવો બનતા અટકાવી શકીશુ. અને આજ રીતે આપણે આપણી માતા બહેન દીકરીઓની રક્ષા કરી શકીશુ.
જો નારી શક્તિ ધારે તો રણચંડીનું રૂપ ઘારણ કરી શકે છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ એટલા માટે કરવામાં આવ્યો છે કે આવનાર સમય દેશ માટે બહુ અને બહુ અઘરો અને વિપત્તિ ભર્યો સમય આવવાનો છે. જેવી રીતે પોતાનો મોબાઈલ 24 કલાક પોતાની સાથે રાખે છે તેવી જ રીતે આ કટાર પણ તેનો એક હિસ્સો બનાવે પોતાના જીવનનો જેથી કરીને ભેડિયાઓને જડબાતોડ જવાબ આપવો હોય તો આ કટારથી જવાબ આપે. હવે બહેનો પણ આ દેશમાં કોઈપણ આપત્તિ વિપત્તિ આવે તો મજબૂતાઈથી લડવા માટે તૈયાર છે તેવો બહેનોનો સમાજને આ એક સંદેશો છે.આવી રીતે આગામી દિવસોમાં વડોદરામાં શહેરસ્તરે યુવા યોધ્ધા સેવા સંસ્થા દ્વારા મહિલાઓને પોતાની રક્ષા કાજે કટારનું વિતરણ કરાશે.