Vadodara

બનાવટી દસ્તાવેજો બનાવી પુત્રની માતા-ભાઇ સાથે કરોડોની ઠગાઈ

વડોદરા: સમાના લાડલી પાર્ટી પ્લોટની કરોડોની જમીન પચાવી પાડવા કળીયુગી પુત્રએ પિતાની હયાતીમાં જ બનાવેલા મરણ દાખલા અને બનાવટી દસ્તાવેજો આધારે કાયદેસરના હક્કો ડુબાડ્યા હતા. સગોભાઈ સીધી લીટીનો વારસદાર હોવા છતા પેઢીનામામાં નામ છુપાવીને છેતરપીંડી કર્યાની ફરીયાદ સમા પોલીસ મથકે નોંધાઈ હતી. મુંબઈના સેન્ચુરી બજાર પાસે બ્રુસા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રહેતા સમીર ભદ્રકુમાર સવજાણીએ નોંધાવેલી ફરીયાદમાં પોતાના જ સગાભાઈ જીગેશ સાવજની કરોડોના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

તેમના પિતા ભદ્રકુમાર જમનાદાસ સમા-સાવલી રોડ સ્થિત રે.સર્વે નં-434/1 વાળી 3561 ચો.મી. વાળી જમીન ખરીદી હતી. તેમના પિતા તા.19/5/2003માં મરણ પામ્યા હતા. તેમના વારસદાર તરીકે પત્ની પુખ્યા, મોટો પુત્ર સમીર, વચેટ જીગેશ અને નાનો અમીષ વારસદારો છે. પિતા હયાત હોવા છતાં ભેજાબાજ જીગેશે કરોડોની જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો અને પિતાની હયાતીમાં પિતાનો ખોટો મરણ દાખલો બનાવી તલાટી પાસે પેઢીનામું બનાવડાવ્યુ હતું. તેમાં સીધીલીટીના વારસદાર સમીર હોવા છતાં દર્શાવ્યો જ નહીં.  જીગેશની છેતરપીંડી અંગે નાનાભાઈ અમીષે મુંબઈ હાઈકોર્ટમાં રજુ કરેલા દસ્તાવેજી પુરાવાની ચકાસણી દરમિયાન ભાંડો ફુટ્યો હતો. અને ફરીયાદીએ સમાન મામલતદાર પાસે રેવન્યુ રેકર્ડના ઉતારા માંગીને ચકાસણી કરતા 2002માં મુંબઈથી ખરીદાયેલા સ્ટેમપ પેપરનો ઉપયોગ પેઢીનામા માટે જીગેશે કર્યો હતો.

પોતાના નામે કરોડોની જમીન થયા બાદ ભેજાબાજે પાર્ટી પ્લોટ અને પેટ્રોલપંપ બનાવીને કરોડોની કમાણી કરી હતી. વારસાઈ વાળી મિલકતમાં સગાભાઈઓના હક્ક ડુબાડવા માતા તથા ભાઈઓની સહીઓ સુધ્ધા ખોટી કરીને સંમતિ કરારો બનાવ્યા હતાં. સેલ ઈિન્ડયા પ્રાઈવેટ લીમીટેડ કંપની વચ્ચે પેટ્રોલપંપ અંગે લીઝ ડીલના કરાર પણ કરી લીધા હતાં. ભાડા કરારના આધારે જીગેશે રૂ.20,66,64,337/- ચાઉ કરી લીધા. તદ્દઉપરાંત 75 લાખની ડિપોઝીટ લઈ લીધી. સમગ્ર કાૈભાંડમાં જીગેશ સાથે અન્ય ભેજાબાજોની પણ સાંઠગાઠ હોવાની શંકા ફરીયાદમાં કરાઈ હતી.  

Most Popular

To Top