ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે ડિસેમ્બરમાં યોજાનાર છે ત્યારે આમ આદમી પાર્ટી, ઔવેસીની પાર્ટીની ઉપરાંત હવે એનડીએના કટ્ટર વિરોધી મમતા દીદીની ટીએમસીની એન્ટ્રી થવાની તૈયારી ચાલી રહી છે. આજે શહિદ દિને મમતા દીદીએ દેશભરમાં પાર્ટીના કાર્યકરોને સંબોધન કર્યુ હતું. જેના પગલે દીદીના પોસ્ટર્સ અમદાવાદમાં પણ લાગ્યા હતાં. એટલુ જ નહીં મમતા દીદીએ વર્ચ્યુઅલ સભા દ્વારા ગુજરાતના કાર્યકરોને પણ સંબોધન કર્યુ હતું. અમદાવાદમાં ગીતામંદિર એસટી મથક નજીક મમતા દીદીના પોસ્ટરો લાગ્યા હતાં.
ગત 21મી જુલાઈ 1993ના રોજ મમતા બેનરજીના નેતૃત્વમાં કોલકાત્તામાં એક રેલીમાં પોલીસ ગોળીબારમાં 13 કાર્યકરોનું મૃત્યુ થયું હતું. તે દિવસથી મમતા બેનરજી દ્વારા શહિદ દિનની ઊજવણી કરવામાં આવી રહી છે. 1993માં આ રેલીમાં માંગ કરાઈ હતી કે ચૂંટણી માટે જરૂરી દસ્તાવેજોમાં ચૂંટણી ઓળખ કાર્ડ જરૂરી હોવુ જોઈએ. આજે અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં એક રેસ્ટોરેન્ટમાં પ્રોજેકટર પર મમતા દીદીનું સંબોધન દર્શાવવામાં આવ્યુ હતું.
આજના સંબોધન સાથે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીની એન્ટ્રી થાય તેવી સંભાવના વધી જવા પામી છે. ખાસ કરીને સુરત મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનો તો સફાયો થઈ ગયો હતો, જો કે તેની સામે આપ પાર્ટીના 27 ઉમેદવારો વિજયી થયા હતા.જયારે અમદાવાદ મનપામાં ઔવેસીની પાર્ટીની એન્ટ્રી થઈ છે. મમતા દીદીએ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવાની આહ્વાન કર્યુ હતું. એટલું જ નહીં વિપક્ષી પક્ષોને ભાજપની સામે એકત્ર થવા પણ અનુરોધ કર્યો હતો.