ઓલમ્પિક સ્પોર્ટસમાં ટૅક્નોલોજીનો વધી રહેલો હિસ્સો…

ઓલિમ્પિકમાં સ્પોર્ટસ ઇવોલ્વ થઈ રહ્યું છે અને તેમાં મહત્ત્વનો ભાગ ટૅક્નોલોજી ભજવી રહી છે. ટૅક્નોલોજી ધરમૂળથી બદલાઈ રહી છે. ભારતીય દર્શકો ઓલિમ્પિક તો નહીં પણ ક્રિકેટ જોવા ટેવાયેલા છે અને ક્રિકેટમાં આવેલાં ટૅક્નોલોજીકલ બદલાવને આપણે સારી રીતે સમજી શકીએ છીએ. એક સમયે લૅગ બીફોર વિકેટમાં બેટ્સમેનને આઉટ આપીને મૅચનું પરિણામ બદલાઈ જતું. આજે ‘ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ’ના કારણે ખોટા આઉટ આપવાનું પ્રમાણ ઘટ્યું છે. આ ઉપરાંત પણ ક્રિકેટના અનેક પાસાંમાં ટૅક્નોલોજીનો પ્રવેશ થયો છે.

એ રીતે ઓલિમ્પિકસમાં ટૅક્નોલોજીનો હિસ્સો સતત વધી રહ્યો છે. સૌથી મોટી સ્પોર્ટસ ઇવેન્ટ હોવાથી તેમાં અત્યંત આધુનિક ટૅક્નોલોજીનો ઉપયોગ થાય છે. એક સદીથી રમાઈ રહેલી આ ગેમ્સ સતત પરિવર્તન પામતી રહી છે, પણ હવે તેના પરિવર્તનમાં મુખ્ય હિસ્સો ટૅકનોલોજી છે. માત્ર ઓલિમ્પિકમાં સ્પર્ધા માટે ટૅક્નોલોજીનો ઉપયોગ થતો હોય તેમ નથી, બલકે ખેલાડીનાં ડે ટુ ડે શેડ્યૂલ, વર્કઆઉટ, ડાયટ અને પ્રેક્ટિસ પણ ટૅક્નોલોજી દ્વારા મૅનેજ થાય છે.

સ્પોર્ટસ માત્ર રમત નથી, બલકે મસમોટી ઇકોનોમી છે. ઓલમ્પિકસ જે દેશમાં રમાય છે ત્યાં જંગી ખર્ચ થાય છે. નવું શહેર નિર્માણ થાય તે હદે તેની તૈયારી થાય છે. માત્ર આયોજક દેશ જ નહીં, બલકે હિસ્સા લેનારા દેશો પણ પોતાના ખેલાડીઓ શ્રેષ્ઠતમ પર્ફોર્મન્સ આપે તે માટે લાંબાગાળાનું આયોજન કરે છે. વર્લ્ડક્લાસ સ્ટેડિયમ, અત્યાધુનિક સંસાધનો અને વૈશ્વિક સ્તરનું કોચિંગ ઓલમ્પિકસની અનિવાર્યતા છે. આ ઉપરાંત, તેમાં ટૅકનોલોજીનો પાર્ટ પણ અગત્યનો બન્યો છે. કેટલીક રમતો એવી છે જેમાં સેકન્ડની હેરફેરથી વિજેતા બદલાઈ જાય છે; જેમ કે રનિંગ. તેમાં પણ સો મીટરની દોડ તો દસ-બાર સેંકન્ડનો જ મામલો છે. આ સ્પર્ધામાં એક-એક ક્ષણની ગણતરી થાય છે.

પહેલાંના સમયમાં તેમાં ચૂક થતી પણ હવે તેમાં જરાસરખી પણ ભૂલ ન થાય તેવી ટૅક્નોલોજી વિકસાવવામાં આવી છે. રનિંગમાં સ્ટાર્ટિંગ બ્લોક્સની મોટી સમસ્યા હતી. આ સ્ટાર્ટિંગ બ્લોક્સ એટલે જ્યાંથી રનર રનિંગ સ્ટાર્ટ કરે તે પોઇન્ટ. પહેલાં સ્ટાર્ટિંગ બ્લોક્સમાં સ્ટાર્ટિંગ સમયમાં થતી ભૂલને ઓળખી શકાતી નહોતી અને તે કારણે કોઈ રનર વહેલા-મોડા ત્યાંથી આગળ વધે તો ભૂલ પકડાતી નહોતી. પરંતુ હવે સ્ટાર્ટિંગ બ્લોક્સને ભૂલરહિત બનાવવા અર્થે તેમાં સેન્સરનો ઉપયોગ થવા માંડ્યો છે. રનર સ્ટાર્ટ લે ત્યારે આ સેન્સર દ્વારા બ્લોક્સ પર આવતાં પ્રેશરથી તેમાં ભૂલ પકડી શકાય છે અને જો કોઈ એથ્લી સેકન્ડના દસમા ભાગની ભૂલ પણ કરે તો સેન્સર તે પકડી લે છે.

ઉપરાંત ઘણા રનર ઇલેક્ટ્રોનિક સ્પીકરનો પણ સ્ટાર્ટ લેવા માટે ઉપયોગ કરે છે. રનિંગ સ્ટાર્ટ કરવા માટે જ્યારે પણ ગન ફાયર થાય ત્યારે તે જ સમયે સ્પીકરમાં રનરને અવાજ આવે છે અને તે રનિંગ સ્ટાર્ટ કરે છે. જે રનરને સાંભળવામાં મુશ્કેલી હોય તેઓ પણ ‘ક્રિસમસ ટ્રી’ લાઇટ સિસ્ટમથી જોઈને પોતાનું સ્ટાર્ટિંગ લઈ શકે છે. આ સિસ્ટમમાં લાઇટના આધારે સ્ટાર્ટ લેવાનું થાય છે. રનિંગમાં ટૅક્નોલોજીમાં આવેલાં આ બદલાવના કારણે હવે રનર્સ માત્ર પોતાના પર્ફોર્મન્સ પર ધ્યાન આપી શકે છે.

ઓલમ્પિકસમાં ટૅક્નોલોજીનો પાર્ટ નેવુંના દાયકાથી વધવા માંડ્યો અને પછી તો  દર ઓલમ્પિકસ વખતે તેમાં કશા ને કશા નાના-મોટા બદલાવ આવતા ગયા. 2008માં આવાં જ પરિવર્તન લાવીને બિજિંગમાં ઇંગ્લેન્ડની સાઇક્લિસ્ટ ટીમે 13 મેડલ્સ મેળવ્યા હતા. એવું કહેવાય છે કે બ્રિટને સાઇક્લિસ્ટ ટીમના ટૅલેન્ટ સાથે ટૅકનોલોજીના સમન્વયથી મેડલ્સ મેળવ્યા હતા. ‘બીબીસી’ના એક રિપોર્ટ મુજબ બ્રિટનની સાઇક્લિસ્ટ ટીમે સ્કીનસૂટ્સ, સાઇકલની ફ્રેમ, ટાયર, હેલ્મેટ જેવી અનેક બાબતોમાં સંશોધન કરીને એવું સ્વરૂપ આપ્યું કે તેઓને જીતવામાં ઍડવાન્ટેજ રહે. બ્રિટિશ ટીમે બિજિંગના ઓલમ્પિકસમાં ‘કોમ્યુટેશનલ ફ્લૂઈડ ડાયનેમિક્સ’ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. આ પદ્ધતિથી ગતિમાં જતી સાઇકલમાં આસપાસની હવાનું એ રીતે સંતુલન સધાય છે કે તે સાઇક્લિસ્ટને વધુ ગતિમાં રાખે. આ બદલાવ ખૂબ નાનો છે પણ ઓલમ્પિકસમાં આવા નાના બદલાવથી જ પરિણામ પોતાના તરફી લાવી શકાય છે.

ટૅકનોલોજીનું મહત્ત્વ જે રીતે ઓલમ્પિકસમાં વધી રહ્યું છે તેથી અમીર દેશોને લાભ થઈ રહ્યો છે તેવી પણ એક દલીલ છે અને સ્વિમિંગ જેવી સ્પોર્ટસમાં તો તે ખાસ લાગુ પડે છે. સ્વિમિંગ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર માંગી લે છે અને હવે સ્વિમિંગ સાથે ટૅકનોલોજીનો ઉપયોગ પણ ખૂબ થાય છે. સ્વિમિંગમાં થતાં ટૅક્નોલોજીના ઉપયોગ બાબતે તો અભ્યાસ પણ થયા છે. તે માટેનું એક ઉદાહરણ 2000માં સિડનીમાં યોજાયેલી ઓલમ્પિકસનું આપવામાં આવે છે. આ ઓલમ્પિકસમાં ‘ફાસ્ટસ્કીન ટૅક્નોલોજી’નો ઉપયોગ કરનારા 83 % સ્વિમર્સ વિજેતા રહ્યા હતા!

સામાન્ય રીતે જે સ્વિમસૂટ આવે છે તેમાં પાણીનો ભરાવો થતો હોય છે, પણ આ નવી ટૅક્નોલોજી મુજબ એ પ્રકારના સ્વિમસૂટ તૈયાર કરવામાં આવ્યા જેથી તેમાં પાણી ન ટકે અને તેનો લાભ સ્વિમર્સને ઝડપથી આગળ વધવા માટે મળે. આ ટૅક્નોલોજીનો ઉદ્દેશ જ સ્વિમિંગ પર્ફોર્મન્સ ઇમ્પ્રુવ કરવાનો હતો અને તેનું પરિણામ સિડની ઓલમ્પિકસમાં જોવા મળ્યું. આ સ્વિમસૂટ સ્વિમરના મસલ્સને પણ સપોર્ટ કરે છે અને આવાં સ્વિમસૂટનું ઉત્પાદન કરતી કેટલીક કંપનીઓ ત્યાં સુધી કહે છે કે સ્વિમિંગ વખતે સામાન્ય રીતે ત્વચા અને પાણીનું જે ઘર્ષણ થાય છે તેમાં પણ ખાસ્સો ઘટાડો કરે છે.

આની શું અસર થઈ તે તત્કાલીન રેકોર્ડ પરથી ખ્યાલ આવી શકે. 2008-09માં જે સ્વિમસૂટ ઉપયોગમાં લેવાયા તે વખતે 130 સ્વિમિંગના વર્લ્ડ રેકોર્ડ તૂટ્યા! સામાન્ય રીતે આટલા ટૂંકાગાળામાં રેકોર્ડ તૂટતાં નથી. આ રેકોર્ડ તૂટતાં જોઈને ‘ઇન્ટરનેશનલ સ્વિમિંગ ફેડરેશન’ પણ હરકતમાં આવ્યું અને તેમણે 2015 સુધીમાં સ્વિમસૂટને લગતાં નિશ્ચિત માપદંડ નક્કી કર્યા. હવે તે જ માપદંડના આધારે સ્પર્ધા થાય છે. જો કે આમ કરવા છતાં નવી નવી ટૅક્નોલોજી સાથે નવા પ્રયોગો અમલમાં મુકાઈ રહ્યા છે.

કેટલીક ગેમ્સમાં ટૅકનોલોજીનો ઉપયોગ શું થઈ શકે, એમ લાગી શકે. પરંતુ ત્યાં પણ ટૅકનોલોજીથી પરિણામ પોતાના તરફી લાવવાનું શક્ય બન્યું છે. જેમ કે, બોક્સિંગમાં ટૅક્નોલોજીનો ઉપયોગ આમ જોઈએ તો શક્ય ન લાગે. તેમાં પરંપરાગત રીત છે તેના આધારે જ સ્પર્ધા થાય છે પરંતુ તેમાં પણ આઇરીશ બોક્સિંગ ટીમે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ માટે આઇરીશ ટીમે કેમેરાનો ઉપયોગ કર્યો છે. તેઓ કેમેરાને તમામ રીંગ પર મૂકીને બોક્સરના મુવમેન્ટની દેખરેખ રાખી શકે છે.

આ રીતે તેઓ બોક્સર અને તેમના કોચને ક્યાં ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે તે તુરંત દર્શાવી શકે. બ્રિટનની બોક્સિંગ ટીમે એ પ્રમાણે ‘આઈબોક્સર’ નામનું સોફ્ટવેર બનાવ્યું  છે. આ સોફ્ટવેર શેફીલ્ડ હલમ યુનિવર્સિટી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. ‘આઈબોક્સર’ દ્વારા સામેની ટીમના બોક્સરનું જમા પાસું અને મર્યાદા તુરંત ખ્યાલમાં આવી શકે છે અને આ રીતે આગળની રણનીતિ ઘડવાનું કામ સરળતાથી થઈ શકે છે. આ ઉપરાંત બોક્સિંગમાં હવે ઇલેક્ટ્રોનિક સ્કોરીંગ સિસ્ટમ પણ આવી ચૂકી છે.

વેઇટ લિફ્ટિંગ સ્પોર્ટસમાં પણ ટૅક્નોલોજી વિના અનેક ગડમથલ રહેતી. ખેલાડીએ કેટલું વજન ઉપાડ્યું, કેવી રીતે ઉપાડ્યું અને વજન ઊંચકતી વખતે તેના માપદંડ પાળ્યા કે નહીં પણ હવે ‘વર્લ્ડ પેરા પાવરલિફ્ટિંગ દ્વારા એનાલિસિસ ટૅક્નોલોજી અમલમાં મૂકવામાં આવી છે. આ પૂરી સિસ્ટમ સેન્સર દ્વારા ડિઝાઈન થઈ છે અને તેમાં લિફ્ટર પાસે એક્યુરેટ ડેટા આવી જાય છે. એક્યુરેટ ડેટા માત્ર લિફ્ટ થયેલાં વેઇટનો જ નહીં, પરંતુ જે વજન ઊંચક્યું છે તેનો પાથ, તેનું રોટેશન, ઝોક જેવી વિગત પણ તેમાં દર્શાવવામાં આવે છે.

આ ટેક્નોલોજી માટે 2016થી કામ થઈ રહ્યું હતું જે હવે લાગુ કરી દેવામાં આવી છે. ઓલમ્પિકસમાં દરેક સ્પોર્ટસમાં આમ ટૅક્નોલોજીનો પ્રવેશ થયો છે, પણ તેમાં હવે એડવાન્સ સ્ટેજ વિકસી રહ્યા છે. અનેક એવી ટૅક્નોલોજીનો ઉપયોગ ટોક્યોમાં પણ જોવા મળશે. જો કે ટૅક્નોલોજીનો વધુ પડતો ઉપયોગ વિકાસશીલ દેશોના ખેલાડીઓને વધુ પાછળ ધકેલતા જાય છે. તેઓને આ સ્પોર્ટસ માટે ટૅક્નોલોજી બાધારૂપ બની રહી છે.

Related Posts